કંડલામાં રેલવે ઝુપડા ચોકમાં ગંજીપાના ચિટતા 5 જુગારી જબ્બે

કંડલા મરીન પોલીસે 11 હજારની રોકડ રકમ સાથે કરી ધરપકડ

ગાંધીધામ : સંકુલના કંડલામાં રેલવે ઝુપડા ચોકમાં રામદેવપીરના મંદિર પાસે ગંજીપાના વડે જુગાર રમતા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. બાતમીને પગલે કંડલા મરીન પોલીસે પાડેલા દરોડામાં 11 હજારની રોકડ રકમ સાથે આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કંડલા મરીન પોલીસ મથકના પીઆઈ એ.જી. સોલંકીના નેતૃત્વ હેઠળ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ખાનગીરાહે મળેલી બાતમી હકીકતને આધારે રેલવે ઝુપડા ચોકમાં રામદેવપીરના મંદિર પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રેલવે ઝુપડામાં રહેતા આરોપી અકબર જાકુબ ટાંક, ઓસમાણ હાસમ શેખ, અશગર હુસેન ગાધ, સલીમ જુસબ પિંજારા તેમજ નાની ચિરઈમાં રહેતા મુસા સુલેમાન કોરેજાની ધરપકડ કરાઈ હતી. આરોપીઓના કબ્જામાંથી પોલીસે રોકડ રૂપિયા 11 હજાર રિકવર કર્યા હતા. આ કાર્યવાહીમાં પીઆઈ એ.જી. સોલંકી, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ તરાલ, કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, ઉદયસિંહ સોલંકી, જયપાલસિંહ પરમાર તેમજ કુલદિપકુમાર વ્યાસ સહિતનો સ્ટાફ જોડાયો હતો.