કંડલામાં કોલસા માફીયાઓ બેફામ : સજજન પીઆઈશ્રીને હજુય નામ-ઠામ ન મળતા હોય તો કહે, દેખાડી આવીએ..!

  • તુણાથી કોલસાની ગાડીઓ સગેવગે થવાનો સિલસિલો યથાવત

સારા પીઆઈ માત્ર લાકડીયા હાઈવે હોટલ પાસે જઈને ઉભા રહે, કોલસાના અહી મોટા મોટા ઢગલાઓ દેખાઈ આવશે, આ જથ્થો અહી આવ્યો કયાંથી? આસપાસમા કોઈ ફેટકરી પણ નથી? એટલુ પુછશે અને કચ્છમાં વિદેશી કોલસાની તસ્કરીનો મુખ્ય સુત્રધાર પ્રવિણ તથા રાજકોટ વાળા વિજયના કડક રીમાન્ડ લેવડાવશે તો પણ કોલસાના ધંધામાં થઈ શકે છે કઈક મોટા કડકાભડાકા

આ તો કેવી પોલીસ છે.., પ્રજાજનોમાં કોલસા ચોરો-સિન્ડીકેટના નામ-ઠામ ખુલ્લેઆમ ચર્ચાય છે પણ પોલીસ છે કે જેને કંઈ જ ખબર જ નથી..! : હાલમાં પ્રજાજનોની સુખાકારી વધે, કાયદો વ્યવસ્થા જળવાય તેના બદલે પોલીસને ખુદના જ લાભાલાભમાં રસ હોય તેવો ફેલાય છે કચવાટ

કંડલામાં થતી ચોરીઓની ફરીયાદ ગાંધીનગર સુધી થઈ અને ત્યાંથી પુછાણા પણ આવ્યા તેમ છતાં જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી…!

ગાંધીધામ : કંડલા-તુણા બંદરેથી વિદશે કોલસાની મોટા પ્રમાણમાં આયાત કરવામા આવે છે અને તેના પરિવહન દરમ્યાન કેટલાક ભજાબાજ તત્વો તેને ગંતવ્ય સ્થળે મોકલવાના બદલે તેમાં મીક્ષીંગ કરી અને મોટા પાયે છેતરપીંડી કરી રહ્યા હોવાની ગંધ પાછલા કેટલાક સમયથી સતત સામે આવવા પામી રહી છે.આ પ્રકારની આલબેલ આ પ્લેટફોર્મ પરથી સતત ઉચ્ચારવામાં આવી રહી છે અને પાછલા એકાદ સપ્તાહમાં જ તુણાથી પરીવહન થયેલ કોલસો નિયત સ્થળે નહી પહોંચાડીને ગાલમેલ કરવામા આવી રહી હોવાના અડધા કરોડથી વધુના મુદામાલના કિસ્સાઓ સત્તાવાર પોલીસ ફરીયાદમાં નોધાઈ જવા પામી ચૂકયા છે પરંતુ ખાટલે મોટી ખોટ છે કે, અહીના પીઆઈશ્રી એકદમ સજજન અને સારા છે એટલે આ કોલસો સગેવગે કોણ કરે છે, કયાં મીક્ષીંગ કરાયા છે, સિન્ડીકેટમા કોણ કોણ છે, તેમની આ સારા પીઆઈને જરા સહેજ પણ ખબર જ નથી. તેઓ કહે છે કે, ઉપરવાળાઓને આ બાબતે માહીતી હશે. હવે ફરીથી તુણા બંદરેથી ગાડીઓ કોલસાની સગેવગે થઈ હોવાની વાત બહાર આવી રહી છે ત્યારે પીઆઈશ્રીને જણાવવાનુ કે, આ ગાડીઓ કચ્છમાં જ મીક્ષીગ કરવામા આવી રહી છે.હજુ જો નામ-ઠામ ન મળી રહયા હોય તો કહો, અમે દેખાડી શકીએ તેમ છીએ. પીઆઈશ્રી માત્ર લાકડીયા હાઈવે પાસે જાય, અહીની હોટેલના પાછળના ભાગમાં માત્ર ઉભા રહેશે તો પણ તેઓને કોલસાના ઢગલાઓ જોવા મળી આવશે? આસપાસમા કયાય કોઈ મોટી ફેકટરીઓ નથી છતા આ જથ્થો આવ્યો છે કયાંથી? એટલુ પુછશે અને કચ્છમાં વિદેશી કોલસામાં માટા પાયે ભેળસેળ કરનારા મુખ્ય ભેજાબાજ એવા પ્રવિણના રીમાન્ડ લે, તેને ઉઠાવે અને રાજકોટવાળા વિજયની કડક પુછતાછ કરશે તો વિદેશી કોલસાના આખાય કૌભાંડનો કચ્છમાથી મોટાપાયે પર્દાફાશ થાય તેમ છે અને કઈકના પગ નીચે રેલો આવી શકે તેમ પણ મનાય છે. પ્રજાજનોને આટઆટલી કોલસા માફીયાઓની ખબર છે પણ પોલીસ છે કે તેઓને આ બાબતે કઈ ખબર જ નથી? આ કયા પ્રકારની પોલીસ છે તેવા સવાલો પણ હવે વધુ ઘેરાઈ રહ્યા છે. કહેવાય છે કે હાલમાં તો પોલીસને માત્ર અને માત્ર ખુદના લાભાલાભની જ ચિંતા રહેલી છે. પ્રજાજનો અને કાયદો જાય તેલ લેવા..આમપ્રજાજનો સુખાકારી વધે અને કાયદો વ્યવસ્થાન નિયંત્રિત રહે તેની તો પોલીસને ચિંતા જ ન હોય તેમ વર્તી રહ્યા હોવાનો વર્તારો પણ આ પ્રકારને તુણામાંથી એક પછી એક કોલસાની ગાડીઓમાં છેતરપીંડી કે ભેળસેળના ઉજાગર થતા ઘટનાક્રમોથી જોવાઈ
રહ્યુ છે.

તુણાથી રપ લાખનો કોલસો ભરેલી છ ટ્રકો ગુમ

છ ટ્રકો ભરીને મોકલવામાં આવેલ ર૩૯.૯૧ મેટ્રીક ટન કોલસો નિયત સ્થળે ન પહોંચાડી કરાઈ વિશ્વાસઘાત – ઠગાઈ : બનાવને પગલે કંડલા મરીન પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ

વાહ… કંડલાના પીઆઈશ્રીએ મોઢામાંથી મગ કાઢ્યા ખરા…! : ફરીયાદ નોંધાઈ છે, કોલસા ચોરો સામે કડક કાર્યવાહી કરાશે : એ.જી. સોલંકી (પીઆઈશ્રી કંડલા)

ગાંધીધામ : તુણાથી ૬ ટ્રકો ભરીને નીકળેલો રૂા.રપ લાખનો કોલસો સગેવગે કરાતા કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તુણાથી ૬ ટ્રકોમાં કોલસો ભરીને અલગ અલગ સ્થળે મોકલવામાં આવ્યો હતો, પરંતુ માલ નિયત સ્થળે પહોંચાડાયો ન હતો. જે સબબ વિશ્વાસઘાત ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાતા કંડલા મરીન પોલીસે તપાસ
આદરી છે.પ્રાપ્ત વિગતો મુજબ કોલસાનો જથ્થો બારોબાર સગેવગે કરવાના બનાવને પગલે ચેતના ફ્રેટ કેરિયર ટ્રાન્સપોર્ટ ચલાવતા કમિશન એજન્ટ શ્રીરામ ભીયારામ ગોરે આરોપી જાકિરખાન અને તેના પાર્ટનર હરિયાણાના સમીર ચૌહાણ તેમજ ૬ ટ્રકોના ડ્રાઈવરો વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓને ફરિયાદીએ છ ટ્રકમાં તુણા પોર્ટથી બાબા ઉડલ રોડવેઝમાં રૂા. રપ,૭૧,૪૬૯ નો ર૩૯.૯૧ મેટ્રીક ટન યુએસ કોલસો ભરાવીને જુદા જુદા સ્થળોએ મોકલવા આપ્યો હતો. તેમજ ડ્રાઈવરોને એડવાન્સ પેટે રૂા. ત્રણ લાખ આપ્યા હતા. આમ રપ લાખથી વધુનો કોલસો અને રૂા. ત્રણ લાખની એડવાન્સ પેટે આપેલી રકમ પરત ન કરીને વિશ્વાસઘાત – ઠગાઈ આચરાઈ હતી. તુણાથી ટ્રક નં. આર.જે.ર.જી.બી.૭પપ૧, આર.જે.ર.જી.બી.૯૮ર૯, આર.જે.૧૪.જી.કે.પ૪૪ર, આર.જે.૧૪.જી.જે.૭પ૩૧, આર.જે.૧૪.જી.જે. ૮૯૭૦, આર.જે.૧૪.જી.જી.૪૯પ૮ નંબરની ટ્રકોમાં કોલસો ભરીને મોકલાવ્યો હતો, જે નિયત સ્થળે ન પહોંચતા કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. આ અંગે કંડલા મરીન પીઆઈ એ. જી. સોલંકીએ જણાવ્યું હતું કે, તુણા બંદરેથી ટ્રાન્સપોર્ટમાં કોલસો ભરીને મોકલાયો હતો. જે નિયત સ્થળે ન પહોંચતા હાલ તો વિધિવત ગુનો નોંધાયો છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ કોલસો બારોબાર સગેવગે થયાની ફરિયાદ નોંધાઈ હતી. પરંતેુ આ બન્ને ઘટનાઓ એક બીજા સાથે સંલગ્ન ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. અગાઉની ઘટનામાં પાર્ટી અને આરોપીઓ જુદા જુદા છે ત્યારે આ રીતે નિયત સ્થળે માલ ન પહોંચાડીને આચરાતી વિશ્વાસઘાત ઠગાઈ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.