કંડલાના સર્વા ઝુપડામાં આધેડે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

અંજારમાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા ખસેડાઈ સારવાર તળે : ગાંધીધામમાં પરિણીતાએ ભુલથી ફીનાઈલ પીધું

ગાંધીધામ : સંકુલના કંડલામાં સર્વા ઝુપડા વિસ્તારમાં રહેતા આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે અંજારની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઈ છે. તો ગાંધીધામમાં પરિણીતાએ ભુલથી ફીનાઈલ પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ કંડલાના સર્વા ઝુપડામાં રહેતા શંકરસિંગ મીઠુસિંગ રાવત (ઉ.વ.૪૮)એ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે હતભાગીના પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. કંડલા મરીન પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અંજારના જન્મોત્રી સોસાયટીમાં રહેતી કિરણબેન અશોકભાઈ ગેલોત (ઉ.વ.રપ) નામની પરિણીતાએ પોતાના રૂમમાં પંખા વડે ચુનડી બાંધીને ગળેફાંસો ખાધો હતો. ભોગગ્રસ્તનો પતિ બાથરૂમમાં ગયો હતો અને તે બહાર નિકળતા તેની પત્નિને લટકતી હાલતમાં જોતા તરત જ નીચે ઉતારી ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. ભોગગ્રસ્તના લગ્નને સાત વર્ષનો સમય થયો છે. સંતાનમાં ચાર વર્ષનો દિકરો છે. તેમજ તેના સાસુ – સસરા રાજસ્થાન રહેતા હોવાનું પોલીસને જણાવાયું હતું. બનાવને પગલે પોલસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીધામના મહેશ્વરી નગર ઝુપડામાં સરસ્વતી સ્કુલની પાછળ રહેતી ર૧ વર્ષિય પુજાબેન સોમચંદ કન્નર (મહેશ્વરી) નામની મહિલાએ પોતાના ઘેર ભુલથી ફીનાઈલ પી લીધું હતું. થમ્સઅપની બોટલમાં રાખેલ ફીનાઈલ પી ગયેલી પરિણીતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસને અપાયેલા નિવેદન મુજબ ભોગગ્રસ્ત તેના સાસુ – સસરા સાથે સંયુકત પરિવારમાં રહે છે અને લગ્નને ત્રણ વર્ષનો સમયગાળો થયો છે. બનાવને પગલે અંજાર વિભાગના ના.પો.અધિ. ડી. એસ. વાઘેલાએ આગળની તપાસ હાથ ધરી છે.