કંડલાના દરિયામાં ન્હાવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મૃત્યુ

પોલીસ સ્ટેશન પાછળ એક સાથે ચાર બાળકો ડૂબ્યા હતા : ત્રણનો બચાવ

ગાંધીધામ : તાલુકાના નવા કંડલા ખાતે આવેલા પોલીસ સ્ટેશન પાછળ દરિયાઈ પાણીના વીરમાં ન્હાવા પડેલા ચાર બાળકો પૈકીનું એકનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોજારી ઘટના ગઈકાલે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં બની હતી. મૂળ બિહાર હાલે લેબર ઝુંપડા સરવા નવા કંડલામાં રહેતા જુનેદ જાહુર આલમ (ઉ.વ.૧૦) તથા સુબીબેન (ઉ.વ.૬), ખુશનુહીબેન (ઉ.વ.૯) તથા આફ્રીન (ઉ.વ.૭) ચારેય જણા કંડલા મરીન પોલીસ સ્ટેશન પાછળ દરિયાઈ વીરના પાણીમાં ન્હાવા પડ્યા હતા. એક પછી એક ચારેય બાળકો પાણીમાં ગરકાવ થઈ જતા નજરે જોનારાઓએ સુબી, આફ્રીન અને ખુશનુહીને તાબડતોબ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે જુનેદનું મોત થયું હતુું. કંડલા મરીન પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી પીએસઆઈ કે.એફ. દેવમોરારીએ તપાસ હાથ ધરી હતી.