ઔધોગિક-પ્રવાસન અને પશુપાલનના પગલે કચ્છમાં રોજગારીની પુષ્કળ તકો ઉભી- રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ “અનુબંધમ” વેબપોર્ટલનો પ્રારંભ કરાવ્યો : વ્યકિતના કૌશલ્ય અને ડિગ્રી આધારિત રોજગારી આપવા સરકાર સંકલ્પબધ્ધ – ગાંધીધામ ધારાસભ્ય : જિલ્લા કક્ષાના યુવા શકિત રોજગાર દિવસ નિમિતે ૪૦૪૦ ઉમેદવારોને નિમણુંક અને રોજગારપત્રો એનાયત : ૬ વિભાગોમાં ૪૦૪૦ ઉમેદવારો પૈકી ૫૫૦ ઉમેદવારોને રોજગાર દિવસમાં નિમણુંકપત્રો એનાયત : રૂ.૧૧૭ કરોડ ગાંધીધામ આદિપુર ડ્રેનેજલાઇન માટે મંજુર થયા

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથના સૌના વિકાસના અંતર્ગત આજરોજ ગાંધીધામ ખાતે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો યુવાશકિત રોજગાર દિવસ કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની સરકારના ૫ વર્ષ સુશાસન હેઠળ જનતાને કામગીરીનો હિસાબ આપવા આ કાર્યક્રમ યોજાયો છે એમ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઔધોગિક વિકાસ, પ્રવાસન ક્ષેત્ર અને પશુપાલનના વ્યવસાયના પગલે કચ્છમાં રોજગારીની પુષ્કળ તકો ઉભી થઇ છે.

અબાલવૃધ્ધ સૌની ચિંતા કરતા સવાયા કચ્છી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સફેદરણ, ઔધોગિક તકો અને પરંપરાગત હસ્તકળા વિશે વિશ્વમાં કચ્છને પરિચિત કરાવ્યું છે અને રોજગારીના વિકાસ દ્વાર ખુલ્લા મૂકી આપ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદનશીલતા અને નિર્ણયાકતાથી અનેકવિધ યોજનાઓ થકી જનહિતના કાર્યો આરંભ્યા છે. વર્લ્ડ હેરિટેજમાં ૪૦ મું સ્થાન પામનારા ધોળાવીરાને પ્રવાસન તરીકે વિકસાવવા રૂ.૫૦૦ કરોડ મંજુર કરાયા છે. રૂ.૩૭૫૦ કરોડની ટપ્પરથી મોડકુબા સુધીની નર્મદા નહેર મંજુર કરી છે તેમજ ગાંધીધામ-આદિપુર ખાતે ડ્રેનેજલાઇન માટે રૂ.૧૧૭ કરોડ મંજુર કર્યા છે એમ પણ રાજયમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના ઉત્તમથી સર્વોત્તમ તરફ જવાના પ્રયાસોને મજબૂત કરવા વિવિધ કલ્યાણકારી રોજગારીની તકો પૂરી પાડી છે.

 ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, વ્યક્તિના કૌશલ્ય અને ડિગ્રી આધારિત રોજગારી આપવા સરકાર સંકલ્પબદ્ધ છે. હર ખેત કો પાની, હર હાથ કો કામ સરકાર આ આદર્શને સાર્થક કરવા કટિબદ્ધ છે. આજે ૬૨ હજારથી વધું યુવાઓને રોજગારી નિમણૂંક અને રોજગાર પત્રો યુવાશક્તિ રોજગાર દિવસ નિમિત્તે અપાયા છે.

રાજ્ય સરકારે પાંચ વર્ષના સુશાસન નિમિત્તે જ્ઞાનશક્તિ, સંવેદના દિન , અન્ન દિવસ, નારી ગૌરવ દિવસ, કિસાન સન્માન દિવસ અને આજે યુવા શક્તિ રોજગાર કાર્યક્રમ યોજાયો છે. કોરોના કાળ માં પણ રાજ્યનો બેરોજગારી દર ૨.૫ ટકા રહ્યો છે જે દેશમાં સૌથી ઓછો છે એમ પણ તેમણે આ તકે જણાવ્યું હતું.

સ્વાગત પ્રવચનમાં ગાંધીધામ કચ્છ ના મદદનીશ શ્રમ આયુક્ત  જી.એમ. ભુટકાએ કચ્છ જિલ્લામાં રોજગારી અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે “રોજગાર દિવસ નિમિત્તે જિલ્લામાં કુલ ૫૨ સ્થળોએ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે પૈકી ગાંધીધામ અને ભુજ ખાતેના કાર્યક્રમમાં કુલ ૫૫૦ ઉમેદવારો પૈકી ગાંધીધામ ખાતે ૧૪૩ યુવાઓને નિમણુંક અને રોજગારી પત્રો એનાયત કરવામાં આવશે.કોવિડ ગાઇડ લાઇનને ધ્યાને લઈને રોજગાર દિવસ નિમિત્તે જિલ્લામાં શિક્ષણ, કૃષિ અને સહકાર, નાણાં, આરોગ્ય, બંદરો અને પરિવહન તેમજ શ્રમ અને રોજગાર વિભાગમાં કુલ ૪૦૪૦ ઉમેદવારોમાં અન્ય ઉમેદવારોને જે તે સંબંધિત નોકરીદાતાઓ મારફતે નિમણૂક પત્ર રોજગાર પત્ર આપવામાં આવશે.”

 યુવાશક્તિ રોજગાર દિવસ નિમિત્તે કચ્છમાં સરકારી અને ઔદ્યોગિક સંસ્થાઓમાં રોજગારી આપવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સૌ સુરત ખાતેના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના રાજ્ય સરકારના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા,જ્યાંથી તમણે અનુબંધમ” વેબપોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પોર્ટલમાં ઉમેદવારોની નામ નોંધણી તેમજ વિગતો વગેરે રોજગાર સંબંધિત કામગીરી થઈ શકે છે.

આ તકે મંચસ્થ મહાનુભાવોએ પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂંક અને રોજગારી પત્રો એનાયત કર્યા હતા.

 આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી ઈશિતાબેન ટીલવાણી, ઉપ પ્રમુખશ્રી બળદેવભાઈ ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી લીલાવંતીબેન પ્રજાપતિ, પંકજભાઈ ઠક્કર, બાબુભાઈ ગુજરીયા હરીશભાઈ મુલચંદાણી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલિસ અધિક્ષકશ્રી મયુર પાટીલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી રમેશભાઈ વ્યાસ, તાલુકા વિકાસ અધિકારીશ્રી પિન્કીબેન ચૌધરી, મામલતદારશ્રી,  નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ચાવડા, શિક્ષણ નિરીક્ષકશ્રી વસંતભાઈ તેરૈયા,  ગાંધીધામ રોજગાર અધિકારી શ્રી એચ.એમ.પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને લાભાર્થીઓ કોરોના કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે ઉપસ્થિત રહ્યા હતા.