ઓબીસી વસ્તી ગણતરીનું લોલીપોપઃ મોદી સરકારનો માહેર ચૂંટણીવ્યૂહ

નવી દિલ્હી : વસ્તીગણતરીમાં બેકવર્ડ સમુદાય સાથે સંકળાયેલા આંકડા સામેલ કરવાની માગણી સ્વીકારીને સરકારે અનામતની વ્યવસ્થાને વધુ નક્કર અને હકીકતલક્ષી આધાર પૂરો પાડવા માટે માર્ગ મોકળો કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૩૧ બાદ દેશમાં એવી કોઇ વસ્તીગણતરી થઇ નથી, જેમાં જ્ઞાતિ કેે જાતિ સંબંધિત ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હોય.
જ્યારે વી.પી.સિંહ સરકારે મંડલ આયોગની ભલામણ અનુસાર ઓબીસી માટે ર૭ ટકા અનામતની વ્યવસ્થા કરી હતી ત્યારથી એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે આખરે આ અનામત મર્યાદા કયા આધારે નક્કી કરવામાં આવી છે. આ અનિશ્ચિતતાને મુદ્દો બનાવીને ઓબીસી સમુદાય તરફથી એવી માગણી કરવામાં આવી રહી હતી કે વસ્તીગણતરીમાં જાતિ સંબંધિત ડેટા એકત્ર કરવામાં આવે. આ સમુદાયોનો દાવો છે કે તેમની સંખ્યા કુલ વસ્તીના પ૦ ટકાથી વધુ છે અને આ દૃષ્ટિએ ર૭ ટકા અનામત ઘણી ઓછી છે. આ માગણીઓની અસરમાં ગત યુપીએ સરકારના આદેશ અનુસાર ર૦૧૧-૧૩ દરમિયાન સામાજિક-આર્થિક જાતિના આધારે વસ્તીગણતરી કરવામાં આવી હતી, પરંતુ તેના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
તેનું એક કારણ એ પણ છે કે જાતિ સંબંધિત આ આંકડા એટલા જટિલ અને
વૈવિધ્યપૂર્ણ છે કે તેમનું વર્ગીકરણ કરવું શક્ય જણાતું નથી, તેમાં ૪૬ લાખ પ્રકારની જાતિઓ અને પેટાજાતિઓ બતાવવામાં આવી છે. અનામતનું ભૂત જોરશોરથી ધૂણી રહ્યું છે ત્યારે મોદી સરકારે ધૂણતા ભૂતને શાંત પાડવાના પ્રયાસમાં વસ્તીગણતરી કરીને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)નો ડેટા મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.અનામતના નામે હાલ જે કંઈ પણ તાંડવ થઈ રહ્યાં છે એનો માર્ગ કાઢવો સરકાર માટે અનિવાર્ય બની રહ્યો હતો. સરકારે વિચાર્યું કે માથે ચૂંટણી તોળાઈ રહી છે. અનામત માગનારા અનૂસુચિત જાતી કે અન્યના મત વિના મેળ ન પણ પડે અથવા ચૂંટણી જીતવાનું કપરું પણ બની શકે એમ હતું.