ઓનલાઈન શિક્ષણમાં છાત્રોની જેમ હવે શિક્ષકોની પણ ગુલ્લી

કચ્છનું શિક્ષણ વિભાગ ક્યારે અપનાવશે કડક વલણ? : ઘણી શાળાઓમાં પૂર્ણ મહેકમ સામે શિક્ષકોએ શિક્ષણ કાર્ય માટે ઓડ ઈવનનો વિકલ્પ પણ અપનાવ્યો

ભુજ : કચ્છ જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોનો ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. જો કે, રેગ્યુલર શાળાની જેમ ઓનલાઈન શિક્ષણમાં પણ શિક્ષકો ગુલ્લી મારતા હોવાની વિગતો સામે આવી છે. જેમ શિક્ષણમાં પ્રત્યક્ષને બદલે પરોક્ષ શિક્ષણ અપાઈ રહ્યું છે તેમ ઘણા શિક્ષકોએ ઓનલાઈન એજયુકેશનની આડમાં ઓડ ઈવન પદ્ધતિ અપનાવી ગેરહાજર રહેતા હોવાની માહિતી વર્તુળોમાંથી સામે આવી છે.આ અંગેની વિગતો મુજબ જિલ્લાના દસેય તાલુકાઓમાં નવા શૈક્ષણિક સત્રથી શાળાઓ માત્ર શિક્ષકો માટે કાર્યરત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન તેમજ બાળકોને અભ્યાસ પ્રત્યેની રુચિ રહે અને ગુજરાતનાં તમામ બાળકો તેનો લાભ મેળવે તે માટે ગુજરાત સરકાર તજજ્ઞો દ્વારા ટીવી ચેનલોના માધ્યમથી વિવિધ શૈક્ષણિક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. નવા શૈક્ષણિક સત્રથી શાળાનો સમય સવારે ૭ કલાકથી ૧૨ કલાક સુધીનો ફરજિયાત કરી દેવાયો છે, જો કે જિલ્લામાં કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો શાળાઓમાં વારા પાડી શાળામાં હાજર રહેતા નથી.લોકડાઉનમાં દુકાનો ખોલવા માટે ઓડ ઈવન પદ્ધતિ અપનાવાઈ તેવી રીતે શિક્ષકો પણ આજે મારો વારો કાલે તારો વારો જેવી નીતિ અપનાવી ઘેરહાજર રહે છે. તો અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના બહાના બતાવી શિક્ષકો ઓનલાઈન શિક્ષણથી વિમુખ બની જાય છે. તો ઘણી શાળાઓમાં બપોરના ૧૨વાગે શાળા છૂટવાનો સમય હોવા છતા પણ કેટલીક શાળા ૧૧ કાં તો ૧૧ઃ૩૦ કલાકે બંધ કરી શિક્ષકો ઘરે જતા રહે છેે. આવા ગુલ્લીબાજ શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગ ક્યારે કડક વલણ અપનાવશે તે હવે જોવાનું રહ્યું છે. હાલ કચ્છમાં આવા શિક્ષકો પણ છે જે બાળકોને સારૂ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ખંત પુર્વક મહેનત કરી રહ્યા છે.