ઓટાવામાં કેનેડાની સંસદ સામે સિંધી એસોસિએશને પાક સરકાર – સેનાના અત્યાચાર સામે પ્રદર્શન કર્યા

ઓટાવા : કેનેડાની સંસદની સામે વર્લ્ડ સિંધી કોંગ્રેસ અને સિંધી એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા દ્વારા પાકિસ્તાનની સરકાર અને સેનાના અત્યાચાર મામલે પ્રદર્શન કરાયા છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા રાજકીય કાર્યકર્તાઓની હત્યા અને તેમના ગુમ થવાના મામલે કેનડામાં વર્લ્ડ સિંધી કોંગ્રેસ અને સિંધી એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના દેખાવકારો દ્વારા પ્રદર્શનો કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને આના સંદર્ભે મદદ કરવા માટેની હાકલ કરવામાં આવી છે.આ પ્રદર્શનમાં કેનેડાના સાંસદ ટોમ કેમિક પણ સામેલ થયા હતા. દેખાવકારોના હાથમાં રહેલા પ્લેકાડ્‌ર્સમાં પાકિસ્તાનને મદદ એટલે કટ્ટરવાદ અને તાલિબાનીકરણને મદદ તેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. તો કેટલાક પ્લે કાડ્‌ર્સમાં સુહૈલ રઝા ભાટી અને અલ્લાવાધયો મહારની જાણકારી આપવા માટેની માગણી કરવામાં આવી હતી.દેખાવકારોએ સિંધી અને બલોચ સમુદાયો સામે પાકિસ્તાની સેના દ્વારા કરાતા અત્યાચારો મામલે આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ માંગી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્રના ફેક્ટ-ફાઈન્ડિંગ મિશનને સિંધ અને બલુચિસ્તાન મોકલવાની પણ માંગી કરી છે. મહત્વપૂર્ણ છે કે ૮ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ કરાચીના મલિર જિલ્લામાંથી ૧૯ વર્ષીય અલ્લા વધાયો મહારનું આઈએસઆઈ દ્વારા અપહરણ કરાયું હતું.ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે પાકિસ્તાનની સરકાર સિંધી લોકોની જમીનો પડાવી રહી હોવાનું પણ ડબલ્યૂએસસી કેનેડાના ઓર્ગેનાઈઝર હજાન કાલ્હોરોએ જણાવ્યું છે. રુબ વાઝ ગાહો નામના એક એક્ટિવિસ્ટે પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા માનવાધિકાર ભંગના મામલે કેનેડાની સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરવા માટેની હાકલ કરી છે. તેમણે કહ્યું છે કે સિંધમાં સિંધીઓના હકની સુરક્ષા માટે અવાજ ઉઠાવનારા લોકો ગુમ કરી દેવાય છે. સિંધમાં આવી મોટા પ્રમાણમાં બનતી ઘટનાઓની સામે તેવો વિરોધ કરી રહ્યા છે.