• કચ્છની ઓક્સિજન જરૂરીયાત પૂર્ણ થયા બાદ જ અન્યત્ર જથ્થો મોકલાશે

કચ્છના હીતનું ઓક્સિજન અન્યત્ર નહીં ફાળવાય : સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ દ્વારા સર્કિટ હાઉસમાં બેઠક યોજી સીએમને કરાઈ રજૂઆત : મુખ્યમંત્રીએ ત્વરીત પગલા લેતા સચિવે પણ આપી બાહેંધરી

જિલ્લામાં ઓક્સિજનની વર્તાતી અછત વચ્ચે અન્ય શહેરોમાં ઓક્સિજન સપ્લાય અંગે લેવાયો નિર્ણય : પેટા : કચ્છની જરૂરીયાતનો ૬૦-૬પ મેટ્રીક ટન ઓક્સિજન દૈનિક મળ્યા બાદ જ અન્ય શહેરોને અપાશે : સાંસદ વિનોદ ચાવડા

(બ્યુરો દ્વારા)ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં હજારો ઉદ્યોગો આવેલા છે. કચ્છમાં સ્થાનીકે જ ઓક્સિજનનું ઉત્પાદન થતું હોવા છતાં જિલ્લામાં પ્રાણવાયુની ભારે અછત જોવા મળે છે. પરિસ્થિતિ એટલી હદે વિકટ બની ગઈ છે કે, ઓક્સિજનના અભાવે અમુક ખાનગી હોસ્પિટલોએ સંકેલો કરવાની તૈયારી આરંભી છે. તો કેટલીક હોસ્પિટલો દર્દીઓનો હાથ પકડવા પણ તૈયાર નથી. ઓક્સિજનની અછત પાછળ કારણ એ છે કે, જિલ્લામાં ઉત્પાદિત થતો જથ્થો કચ્છની કોવિડ હોસ્પિટલોને મળવાને બદલે ચુપચાપ અન્ય શહેરોમાં પહોંચી જાય છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કચ્છનો ઓક્સિજન જતો હોવાથી અહીંના લોકો શ્વાસવાયુના અભાવે પોતાના પ્રાણ ગુમાવી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં અંતે આગેવાનો જાગ્યા અને સરકારમાં રજૂઆત કરતા મુખ્યમંત્રીએ ધરપત આપી છે કે, કચ્છમાં ઉત્પાદીત થતા જથ્થા પૈકી સ્થાનીકેની જરૂરીયાત ૬૦થી ૬પ મેટ્રીક ટનની છે, જે પૂર્ણ થયા બાદ અન્યત્ર મોકલવામાં આવશે તેવું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું.કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, હાલમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ઓક્સિજનની અછત વચ્ચે સારા સમાચાર છે કે કચ્છમાંથી જે જથ્થો રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોમાં જતો હોય તે મોકલતા પુર્વે કચ્છની જરૂરીયાત પુરી થાય તેના પર ભાર મુકવામાં આવ્યો છે. આજે રાજયમંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ભુજ ધારાસભ્ય નિમાબેન આચાર્ય, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય તેમજ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજી હતી, જેમાં કચ્છની ઓક્સિજન જરૂરીયાત પૂર્ણ કરવા માટે ચર્ચા કરાઈ હતી. ચર્ચાના અંતે અમે બધા આગેવાનોએ નિર્ણય કર્યો કે, કચ્છ માટે જે ઓક્સિજનની જરૂરીયાત છે તે જિલ્લા માટે અનામત રાખવામાં આવે. બાદમાં જ અન્યત્ર મોકલાય તેવો સૂર સૌએ વ્યકત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફોન કર્યો હતો, જેમાં કચ્છ માટે ઓક્સિજન અનામત રાખ્યા બાદ જ અન્ય જિલ્લામાં મોકલવામાં આવે તે માટે ભારપૂર્વકની અને કડક રજુઆત કરવામાં આવી હતી, જેથી સીએમએ ત્વરીત પગલાની ખાત્રી આપી હતી. થોડીવાર બાદ ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસનો ફોન આવ્યો હતો, તેમણે પણ ઘટતું કરવાની બાંહેધરી આપી છે. આ પૂર્વે સર્કિટ હાઉસમાં સચિવ જે. પી. ગુપ્તા, ડીડીઓ ભવ્ય વર્મા સાથે બેઠક યોજાઈ હતી. પક્ષના કાર્યાલય ખાતે પણ બેઠક યોજવામાં આવી છે. આગેવાનોએ રજુઆત કરી છે. જેના પર તંત્ર દ્વારા હવે પગલા લઈ કાર્યવાહી કરવામાં આવશે, જેથી કચ્છના લોકોને હવે ઓક્સિજન માટે અન્યત્ર ભટકવું નહીં પડે.