એ ધડામ… મુંદરા પોર્ટ પર ટ્રેનનું એન્જિન પટકાતા દોડધામ

મુંદરા : કાર્ગો હેન્ડલીંગથી ધમધમતા મુંદરા પોર્ટ પર આજે મોટી જાનહાનિ ટળી હતી. કારણ કે મુંદરા બંદરે જ્યારે ટ્રેનના ડબ્બાનું હેન્ડલીંગ કરવામાં આવતું હતું ત્યારે ધડામભેર ઉંચાઈએથી ડબ્બો નીચે પટકાયો હતો. આ દરમિયાન આસપાસમાં ૫૦થી ૧૦૦ કર્મચારીઓ હાજર પણ હતા. જાે કે સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી. મુંદરા પોર્ટમાં ક્રેનની મદદથી ટ્રેનનું એન્જિન ઉપરથી ખેચી અન્યત્ર લિફ્ટીંગ કરવામાં આવતું હતું, ત્યારે ઉંચાઈએ ટેકનિકલ ક્ષતિ કહો કે ભૌતિક ક્ષતિ પરંતુ ડબ્બાને ઉપાડવા માટે જે વાયરનો ઉપયોગ થયો તે તુટી જતા રેલનો ડબ્બો ગડથોલીયા ખાઈને નીચે પટકાયો હતો. ધડામભેર અવાજ આવતા આસપાસ ઉભેલા કર્મચારીઓમા નાસભાગ મચી ગઈ હતી. મહત્વની બાબત એ છે કે આ ઘટના સમગ્ર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે હેવી લિફ્ટ ઓપરેશન દરમિયાન ઉચકવામાં આવેલ રેલ એન્જિન સ્લીંગ છુટુ પડી જવાના કારણે પડી ગયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પરંતુ આ ઘટના કેવી રીતે બની તે પણ એક તપાસનો વિષય છે.