એસ.ટી. બસ સ્ટેશન ખસેડાતા ધંધાર્થીઓને પડ્યો ફટકો

જૂના બસ સ્ટેશન પાસેના ધંધાર્થીઓએ એસ.ટી. નિયામકને પિકઅપ સ્ટેન્ડ શરૂ કરવા કરી રજૂઆત

ભુજ : જિલ્લા મથક ભુજનું જૂનુ બસ સ્ટેશન ખાલી થયા બાદ બસ સ્ટેશન વિસ્તારમાં ધંધો કરતા ધંધાર્થીઓને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હંગામી બસ સ્ટેશનથી થતા વાહન વ્યવહારમાં જૂના બસ સ્ટેશન આસપાસ પિકઅપ સ્ટેન્ડ શરૂ કરાય તેવી માંગ ધંધાર્થીઓ દ્વારા કરાઈ છે. ભુજના જૂના બસ સ્ટેશન પર વેપાર ધંધો કરતા ધંધાર્થીઓના સંગઠન દ્વારા કચ્છ એસ.ટી. નિયામક બી.એન. ચારોલાને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. જેમાં ધંધાર્થીઓએ જણાવ્યું હતુ કે, જૂનુ બસ સ્ટેશન અહીંથી ખસેડાઈ જતા ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. વેપારીઓનું માનીએ તો અગાઉ જે ધંધો હતો તેના કરતાં માંડ ૧૦થી ર૦ ટકા જ ધંધો રહ્યો છે તેથી વેપારીઓની હાલત કફોડી બની છે. રપ,૦૦૦થી ૩૦,૦૦૦નું ભાડુ ચુકવતા વેપારીઓનું ભાડુ કાઢવું પણ મુશ્કેલ બનશે માટે મિડલ સ્કૂલના ગ્રાઉન્ડમાં પિકઅપ સ્ટેન્ડ ગોઠવવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા કરાઈ હતી. આ અંગે એસ.ટી. નિયામક બી.એન. ચારોલાએ જણાવ્યું હતુ કે, અગાઉ પણ બસ સ્ટેશન શરૂ કરવા માટે આ સ્થળની માંગણી કરાઈ હતી પરંતુ ફાળવવામાં ન આવતા બસ સ્ટેશન કૈલાસનગર તરફ ખસેડાયું છે તેમ છતાં હજુ પણ નગરપાલિકા પાસે અહીંથી પિકઅપ સ્ટેન્ડ શરૂ કરવાની માંગણી કરવામાં આવશે. જો નગરપાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવશે તો પિકઅપ સ્ટેન્ડ શરૂ કરવાની વિચારણા એસ.ટી. દ્વારા કરાશે.