એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામીને તડીપારના હુકમ વિરુદ્ધ હાઇકોર્ટનો સ્ટે

(જી.એન.એસ.)અમદાવાદ/ગઢડા,ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભ સ્વામીને નાયબ કલેકટર દ્વારા ૨ વર્ષ માટે ૬ જિલ્લામાથી તડીપારનો હુકમ કરવામાં આવ્યો હતો. જે બાબતે ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપતા બંને સંતો આજે ગઢડા આવી પહોંચ્યા હતા. જ્યાં શહેરના રાજકિય, સામાજિક આગેવાનો, આચાર્ય પક્ષના હરિભકતો દ્વારા મોઢા મીઠા કરાવી ફુલહારથી સન્માન કર્યું હતું. તેમજ બંને સંતો ગઢડા મંદિરે પહોંચી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા હતા, જયારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ સવામિનારાયણનું મુખ્ય મંદિર ગોપીનાથજી દેવ મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી સ્વામીને બોટાદ નાયબ કલેકટરે તડીપારનો હુકમ કર્યો હતો, જે મામલે એસ પી સ્વામી દ્વારા તડીપાર કરવાના હુકમનો મુદ્દો હાઈકોર્ટમાં પડકારવામા આવ્યો હતો. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે તડીપાર હુકમને સ્ટે આપ્યો હતો. જેથી આચાર્ય પક્ષના સમર્થકોમાં તેમજ શહેરીજનોમાં આનંદની લહેર ઉઠી હતી.આજે એસ પી સ્વામી અને પૂર્વ કોઠારી સ્વામી બંને ગઢડા આવી પહોંચ્યા હતા, જયા ગઢડા નગરપાલિકા દ્વારા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ, સદસ્યો, ભાજપના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ અને આચાર્ય પક્ષના હરિભકતો દ્વારા મીઠા મોંઢા કરાવી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું, જયારે બંને સંતો ગઢડા મંદિર પહોંચ્યા હતા અને ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા હતા, જયારે બંને સંતો પર તડીપારના હુકમ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા હરીભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે.