એસટીના MD હર્ષદ પટેલ કચ્છની મુલાકાતે : આઈકોનિક બસપોર્ટ મુદ્દે ભુજમાં મહત્વપૂર્ણ બેઠક

કચ્છના પ્રભારી સચિવ તરીકે પણ આઈએએસ શ્રી પટેલ પાસે જવાબદારી હોઈ વિવિધ વિભાગો સાથે બપોર બાદ કરશે સમીક્ષા : વિવિધ ડેપો મેનેજરો સાથે પણ કરાશે ચર્ચા : જીએસઆરટીસીના જીએમ શ્રી પ્રજાપતિ પણ સાથે રહેશે

(બ્યુરો દ્વારા)ભુજ : જિલ્લા મથક ભુજમાં આઈકોનિક બસપોર્ટનું નિર્માણ કાર્ય હાલે ફુલ ફ્લેજમાં ચાલી રહ્યું છે. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિથી નિર્માણ કાર્યની ડેડલાઈન પાછળ ધકેલાઈ ગઈ છે, ત્યારે હવે આ નિર્માણ કાર્ય સત્વરે પૂર્ણ થાય તેમજ પ્રવાસીઓ નવા બસ પોર્ટની સુવિધાઓનો લાભ લઈ શકે તે માટે ન માત્ર સ્થાનીક પરંતુ ગાંધીનગર કક્ષાના અધિકારીઓ પણ કામગીરી પર સતત મોનીટરીંગ રાખી રહ્યા છે ત્યારે કચ્છના પ્રભારી સચિવ અને એસટીના એમડી હર્ષદ પટેલ તેમજ જીએમ શ્રી પ્રજાપતિ આજે કચ્છની મુલાકાતે હોઈ આઈકોનિક બસપોર્ટ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજશે.આ અંગેની વિગતો મુજબ એસટીના પ્રવાસીઓને એરપોર્ટ જેવી સુવિધા મળી રહે તે માટે રાજ્યના અનેક મહાનગરોમાં આઈકોનિક બસપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લા મથક ભુજ ખાતે પણ હાલે પીપીપી મોડેલના આધારે આઈકોનિક બસપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેનું ખાતમુર્હૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. અત્યાર સુધીમાં આ આઈકોનીક બસપોર્ટ ધમધમતું થઈ જવાનું હતું પરંતુ ગત સાલે વૈશ્વિક મહામારી કોરોનાએ દસ્તક દીધા બાદ લોકડાઉન સહિતની સર્જાયેલ પરિસ્થિતિના કારણે નિર્માણ કાર્યને અસર પહોંચી હોઈ હજુ સુધી કાર્ય પૂર્ણ થઈ શક્યું નથી. હવે પરિસ્થિતિ થાળે પડી ગઈ હોઈ નિર્માણ કાર્ય ગતિ પકડી રહ્યો છે. તાજેતરમાં જ કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ભુજ ખાતે આઈકોનીક બસપોર્ટના ચાલી રહેલા નિર્માણ કાર્ય સંદર્ભે સબંધીત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જે બાદથી કામગીરીમાં ગતિ પણ આવી છે. બસપોર્ટ બહાર નગરપાલિકા હસ્તકની દુકાનોનું ગુંચવાયેલું કોકડું હજુ સુધી ઉકેલાયું ન હોઈ તેને ઉકેલવા માટે પણ પ્રયાયો હાથ ધરાયા છે ત્યારે આજે એસટીના એમડી અને જીએમ કચ્છ આવી રહ્યા હોઈ તેમની આ મુલાકાતને સુચક ગણવામાં આવી રહી છે.આઈએએસ હર્ષદ પટેલ કચ્છના ડીડીઓ તેમજ કલેકટર તરીકે અગાઉ જવાબદારી નિભાવી ચુકયા હોઈ તેઓ કચ્છના ભુગોળથી પરિચીત છે, જેના ભાગરૂપે તેઓને કચ્છના પ્રભારી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. જીએસઆરટીસીના એમડી ઉપરાંત કચ્છના પ્રભારી સચિવ તરીકે પણ આઈએએસ શ્રી પટેલ પાસે જવાબદારી હોઈ એસટી ઉપરાંત અન્ય વિભાગોના અધિકારીઓ સાથે પણ સમીક્ષા કરશે તેવું એસટી વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બીજીતરફ જીએસઆરટીસીના જીએમ શ્રી પ્રજાપતિ પણ સાથે રહેવાના હોઈ તેઓ પણ વિવિધ ડેપો મેનેજરો સાથે એસટીની કામગીરી સંદર્ભે ચર્ચા કરશે.