એસઓજીએ ર૮૪ ગાંજા સાથે ભુજના શખ્સને ઝડપ્યો

  • મોપેડ, મોબાઈલ સહિત પોલીસે ૬૦ હજારનો મુદ્દામાલ કર્યો કબજે

ભુજ : કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ભુજ શહેરમાં એક્ટિવ થયેલી પોલીસે ગાંજાના કેસો ઝડપી પાડ્યા છે. જેમાં પશ્ચિમ કચ્છ એસઓજીએ બાતમીના આધારે ગીતા માર્કેટ પાસે બકાલી કોલોનીમાં રહેતા શખ્સને ર૮૪ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીની જે.આર. મોથલિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાને પગલે એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.આર. ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ માદક પદાર્થોના સેવનની થતી પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે તુરંત વર્કઆઉટ કરીને ભુજની બકાલી કોલોનીમાં રહેતા અબ્દુલ ઉર્ફે અભાડો મામદ સુમરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાંથી રૂા.ર,૮૪૦ની કિંમતનો ર૮૪ ગ્રામ ગાંજાનો જથ્થો રૂા.પ૦ હજારની મોપેડ, પ,પ૦૦ની કિંમતના બે નંગ મોબાઈલ તેમજ ર,૩પ૦ની રોકડ રકમ મળીને કુલ રૂા.૬૦,૬૯૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એસઓજીએ ઝડપેલા આરોપી વિરૂદ્ધ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ગઈકાલે જ બે શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ વધુ એક આરોપીની એસઓજી દ્વારા ધરપકડ કરાઈ હતી. આ કામગીરીમાં માનકૂવાના પીઆઈ એમ.આર.બારોટ, એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.આર.ઝાલા, એસઓજીના એએસઆઈ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિંહ યાદવ, નરેન્દ્રસિંહ રાણા, હેડકોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, સુનિલ પરમાર, અશ્વિનભાઈ સોલંકી, સાજીભાઈ રબારી, રજાકભાઈ સોતા, ગોપાલભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહિપતસિંહ સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો.