એમપીમાં ભાજપ ૨૦૦ બેઠકો જીતશે તો રાજકારણ છોડી દઇશઃ અલ્પેશ

ભોપાલ : ગુજરાતના કોંગ્રસી ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૧૨૫ બેઠકો જીતશે. અલ્પેશ ઠાકોરે ભાજપના ૨૦૦ બેઠકો જીતવાના દાવાને રદિયો આપતા કહ્યું છે કે, જો ભાજપ આવું કરવામાં સફળ થશે તો તે રાજકારણ છોડી દેશે મધ્યપ્રદેશના બે દિવસીય પ્રવાસ દરમિયાન બીજી દિવસે સતના પહોંચેલા અલ્પેશે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ૧૨૫ બેઠકો જીતીને કોંગ્રેસ સરકાર બનાવશે. અલ્પેશે ભાજપના ૨૦૦ બેઠકો જીતવાના
કેમ્પેન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, ‘જો મધ્યપ્રદેશમાં ભાજપની ૨૦૦ બેઠકો આવશે, તો હું રાજકારણ છોડી દઈશ.’ અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, ‘ગુજરાતમાં પણ ભાજપે ૧૫૦થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો,
પરંતુ પરિણામો બાદ તે ૯૯ બેઠકોમાં સમેટાઈ ગયો હતો.’ આ પહેલાં ભોપાલમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ‘મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તર્જ પર લોકોને એકત્રિત કરવામાં આવશે.’ અલ્પેશે શિવરાજ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, ‘મધ્યપ્રદેશમાં પછાત વર્ગ વંચિત છે.અહીં ત્રણ મહિનાની અંદર ઓબીસી, એસસી, એસટી અને લઘુમતીઓનું એક મોટું સમ્મેલન યોજવામાં આવશે. મધ્યપ્રદેશનાં તમામ વિધાનસભા ક્ષેત્રોમાં ઓબીસી યુવાનોનું સંગઠન બનાવવામાં આવશે.’