એમએનએસના ફતવા સામે કચ્છી-ગુજરાતી વેપારીઓ કરશે અહિંસક લડાઈ

મુંબઈ : એમએનએસએ મુંબઈ અને થાણેના કચ્છી, ગુજરાતી અને મારવાડી વેપારીઓને તેમની દુકાનોના, સંસ્થાઓના નામના બોર્ડ મરાઠીમાં મોટા અક્ષરોમાં લખવાની ધમકી આપી છે. આનાથી અમુર દુકાનદારો પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર ન બાંધવાના મુડમાં છે. જ્યારે મુંબઈ અને થાણેનો બહોળો વેપારી વર્ગ એમએનએસની ધમકીને ધોળીને પી જવાના અને એમએનએસની સામે કાયદાકીય લડત આપવાના મુડમાં છે. વેપારીઓની એક જ વાત છે કે, અમે મહારાષ્ટ્રમાં દૂધમાં સાકર ભળે તેમ મળી ગયા છીએ. અમે કોઈ ભાષા કે જાતિના વિરોધી નથી. પરંતુ જે રીતે એમએનએસ વાર તહેવારે વેપારીઓને ધમકી આપવાની ભાષા અને પ્રાંતવાદનો ખેલ ખેલી રહી છે એને અમે કોઈ પણ સંજાગોમાં સાંખી નહીં લઈએ. એમએનએસનો પરિપત્ર મળી ગયા પછી વેપારીઓમાં સખત નારાજગી પ્રવર્તી રહી છે. વીરેન શાહ, કિશોર કુલકર્ણી, ભાવેશ ગાલા, મિતેશ મોદી સહિતના વેપારીઓ અને વેપારીઓના નેતાઓ કહે છે કે, અમારી લડત વેપારી સ્ટાઈલની રહેશે. અમને હિંસા ગમતી નથી. અમને હિંસક બનવું નથી. અમે જે કંઈ કરીશું એ કાયદાની મર્યાદામાં રહીને જ કરીશું.