એન્ટોપ હિલમાં ભેખડ ધસી : ૮ કાર દબાઈ

મુંબઈઃ મુંબઈમાં આજે વહેલી સવારથી ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં શનિવારથી શરૂ થયેલા વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે અહીંની લાઈફ લાઈન કહેવાતી લોકલ ટ્રેનની સેવા ઉપર પણ અસર થઈ છે. ઘણી જગ્યાએ લોકલ ટ્રેન લેટ ચાલી રહી છે. ભારે વરસાદના કારણે અહીં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ બની છે. આ ઘટનામાં અંદાજે ૨-૩ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. મુંબઈની એન્ટોપ હિલમાં ભેખડ ધસી જવાના કારણે ૮ કાર દબાઈ ગઈ છે.મુંબઈમાં સતત શનિવારથી વરસાદ ચાલી રહ્યો છે. આજે સવારથી પણ મુંબઈમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પરિણામે અહીં ધારાવી અને સાયન વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે. આ સિવાય બાંદ્રા, કુર્લા અને ચેંબૂર સહિત ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીં તો ઘણાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હોવાની માહિતી મળી છે. મેટ્રો સિનેમા પાસે એમજી રોડ પર પસાર થઈ રહેલા લોકો પર ઝાડ પડ્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં ૨૭ જૂન સુધી રોજ ૩૦થી ૪૦ મિમી વરસાદ થવાનો અંદાજ છે. મુંબઈમાં ૭ જૂનથી ચોમાસું સક્રિય થયું હતું પરંતુ ત્યાર પછી ત્યાં ખાસ વરસાદ થયો નહતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાંતાક્રૂઝમાં રવિવારે સવારે ૮.૩૦ વાગ્યાથી રવિવારે સાંજે ૮ વાગ્યા સુધીમાં ૯૪.૭ મિમી વરસાદ થયો હતો.૨૩ જૂન સુધી ચોમાસું કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ. ઓરિસ્સા તેલંગાણા, સમગ્ર નોર્થ-ઈસ્ટ, મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો, ઝારખંડ, બંગાળ અને છત્તીસગઢના અમુક વિસ્તારો સુધી પહોંચી ગયું છે.