એનપીએ મામલે મુરલી જોશીએ સરકારને કઠેડામાં ઊભી કરી

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના નેતૃત્વ હેઠળની લોકસભાની એક પેનલે પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ, નાણાં સચિવ હસમુખ અઢિયા, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર મહેશ કુમાર જૈન અને આર્થિક મામલાઓનાં સચિવ સુભાષચંદ્ર ગર્ગને બેન્કિંગ સિસ્ટમમાં વધી રહેલા એનપીએ માટે સમન્સ પાઠવ્યા છે. આ અગાઉ જોશીએ પબ્લિક એકાઉન્ટ કમિટી (પીએસી)ની અધ્યક્ષતા કરી હતી જેણે ૨જી કૌભાંડ અંગે રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે જોશી આર્થિક પ્રણાલીને નુકસાન પહોંચાડનાર બેડ લોનની તપાસમાં બિનપક્ષપાતી દૃષ્ટિકોણ ઈચ્છે છે. નાણાં મંત્રાલયમાંથી વિદાય થયેલા મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્યમનું તેમાં ખાસ મહત્ત્વ છે, જે અર્થવ્યવસ્થાના પોતાના વિશ્લેષણમાં સ્પષ્ટ હોવા અંગે જાણીતા છે. રિપોર્ટ અનુસાર પેનલે નાણાં મંત્રાલયને આ મામલે ચેતવણી જારી કરી છે. જોશીની આગેવાનીમાં રહેલી સંસદીય સમિતિ એનપીએના મુદ્દે તપાસ કરશે, જે એનપીએ હાલ ૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુનું થઈ ચૂક્યું છે. નાણાકીય સ્થિરતા પર નવીનતમ ભારતીય રિઝર્વ બેન્કના રિપોર્ટમાં જણાવાયું હતું કે માર્ચ ૨૦૧૯ સુધીમાં બેન્કિંગ સિસ્ટમમાં બેડ લોન માર્ચ ૨૦૧૮માં ૧૧.૬ %થી ૧૨.૨% જેટલું વધી જશે. આનાથી ખ્યાલ આવે છે કે સમસ્યા વધુ પેચીદી બની રહી છે. આ સ્થિતિઓમાં આશંકા છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સને લાભ આપવામાં આવી શકે છે. ઊર્જા ક્ષેત્રની બેડ લોન (લગભગ શ્ ૨.૫ લાખ કરોડ) ધરાવતા કેટલાક કોર્પોરેટ હાઉસ કે જેના પ્રોજેક્ટ અગાઉથી ચાલી રહ્યા છે તેમને રાહત મળી શકે છે. આ રિપોર્ટ અનુસાર મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા સુબ્રમણ્યમે ગત સપ્તાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ સ્પષ્ટ નહોતા કે અદાલતની પ્રક્રિયાઓ સાથે અગાઉથી કઈ રીતે વાતચીત કરશે. એનડીએ-૨ તેને પોતાના સૌથી મોટા સુધારામાંથી એક તરીકે રજૂ કરે છે. સુબ્રમણ્યમ જેવી આશંકા અન્ય અનેક વિશેષજ્ઞોએ પણ વ્યક્ત કરી છે જેઓ વિચારે છે કે ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી)એ એક કાયદાકીય માળખું તૈયાર કર્યુ છે જે બેન્કોને તેમના ડિફોલ્ટ પ્રમોટરો પાસેથી કંપની હસ્તાંતરિત કરવા માટે ઉધાર આપનાર સંસ્થાઓને સક્ષમ બનાવે છે.