એક પખવાડિયામાં ૮,૬૩૪ પ્રવાસીઓ ફર્યા કચ્છના શ્વેત રણમાં

વેકેશન ખુલ્યા બાદ પરીક્ષાઓ અને ચૂંટણીની અસરથી મર્યાદિત પ્રવાસીઓ નોંધાયા

ભુજ : રણોત્સવ શરૂ થયાને એક પખવાડિયું થઈ ચુકયું છે. એકતરફ ચૂંટણીનો ગરમાવો છે. અને બીજીતરફ કચ્છમાં ચાલતા રણોત્સવમાં નીરવ શાંતિ જાવા મળી રહી છે. આ વખતે કચ્છ રણોત્સવ માણવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જાવા મળ્યો છે.
કચ્છના શ્વેત રણમાં ફરવા માટે રેવન્યુ તંત્ર દ્વારા રૂ. ૧૦૦ની એન્ટ્રી ફી લેવામાં આવે છે. કચ્છનું શ્વેત રણ સરહદી વિસ્તાર હોવાથી નોટિફાઈડ એરિયામાં તેનો સમાવેશ થાય છે. જેથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ પ્રવાસીઓ પર નોંધ રખાય છે. રણમાં પ્રવેશ માટે ભીરંડિયારા ચેકપોસ્ટ પરથી પરમીટ ઈસ્યુ કરવામાં આવે છે. રેવન્યુ તંત્ર દ્વારા વસુલવામાં આવતી આ ફીસથી પ્રવાસીઓની સંખ્યાનો ખ્યાલ પણ આવી શકે છે. ત્યારે ભુજની મામલતદાર કચેરીએ પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ૧ પખવાડિયામાં ૮,૬૩૪ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે. કચ્છના શ્વેત રણમાં આ વર્ષે સંખ્યા થોડી ઘટી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે રણોત્સવ દરમિયાન સવા લાખ જેટલા પ્રવાસીઓએ શ્વેતરણના દર્શન કર્યા હતા. જેની સામે આ વર્ષે ૧પ દિવસમાં માત્ર ૮,૬૩૪ પ્રવાસીઓ કચ્છના સફેદ રણમાં ફરકયા છે. કચ્છ રણોત્સવમાં ચાલુ વર્ષે સંખ્યા ઘટવા પાછળ વેકેશન ખુલ્યા બાદ શાળાઓની પરીક્ષા પણ શરૂ થઈ ગઈ છે. તેમજ આ વર્ષે વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ પણ જાવા મળી રહ્યો છે. જેના કારણે પણ લોકો રણમાં ફરવા માટે મોટી સંખ્યામાં બહાર આવ્યા નથી.