એક દિવસ ભાજપના નેતા થઈને તો જુઓ?

ચંદ્રકાન્તદાદા પાટીલનો પડકાર કે ઉકળાટ?

મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્ય પ્રધાન પછી જેમનું સ્થાન છે તેવા ચંદ્રકાન્તદાદા પાટીલે તાજેતરમાં કરેલું નિવેદન અન્યોને પડકાર આપવા માટે છે કે પછી પોતાનો ઉકળાટ ઠાલવવા માટે છે, તે અંગે અટકળો ચાલી રહી છે. ‘યુતિની સરકાર ચલાવતા સમતુલા રાખવી પડે છે. શિવસેના, આરપીઆઈ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, સદાભાઉ ખોત આ તમામ પક્ષને સાથે લઈને ચાલવું
પડે છે. એક દિવસ ભાજપના નેતા થઈને જુઓ’ તેમ પાટીલે જણાવ્યું હતું. તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરેલા વિવિધ બૉર્ડના અધ્યક્ષોની નિયુક્તિમાં કોંકણને અન્યાય થયો હોવાનું પૂછવામાંં આવતા તેમણે જણાવ્યું હતું કે ભાજપના નેતા તરીકે આ બધું કેટલું અઘરું છે તે તેમને જ ખબર છે. ૨૦૧૪માં ભાજપે બહુમતી તો મેળવી પરંતુ સરકાર રચવા તેમણે શિવસેનાનો સાથ લેવો પડયો. ૨૫ વર્ષની મૈત્રી તોડી બન્ને પક્ષો વિધાનસભાની ચૂંટણી અલગ અલગ લડ્‌યા હતા, પરંતુ પછીથી સાથે આવ્યા. જોકે સાથે રહેવા છતાં શિવસેનાએ લગભગ
વિરોધપક્ષની ભૂમિકા જ ભજવી છે. બીજી બાજુ સ્વાભિમાની સંગઠન પક્ષના રાજુ શેટ્ટી છેડો ફાડી નીકળી ગયા. યુતિ પક્ષોને સાચવવાનું ભાજપને કેન્દ્ર અને રાજ્ય સ્તરે ભારે પડી રહ્યું છે. બીજી બાજુ ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપના નેતાઓ દબાણ પણ અનુભવી રહ્યા છે. આથી ચન્દ્રકાન્તદાદા પાટીલ ટીકાકારોને પડકાર ફેંકી રહ્યા છે કે પોતાની સમસ્યાઓ કહી રહ્યા છે, તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે તેમના આ વિધાનની ટીકા કરતા એનસીપીના નેતા અજિત
પાવરે જણાવ્યું હતું કે રાજ્ય સામે ઘણા પ્રશ્ર્‌નો છે અને તેના ચોખ્ખા જવાબ આપવાને બદલે આવું ભાવનાત્મક કે કારણ વિનાનું નિવેદન તેમણે આપવું જોઈએ નહીં. પાટીલે પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે અમે આ યુતિ સાથે ચાર વર્ષ કાઢ્યાં છે અને એક હજુ વર્ષ કાઢીશું અને આગામી ચૂંટણી પણ સાથે લડીશુ. કોંકણ ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોંકણના રસ્તાને રિપેર કરવામાં આવ્યા છે અને આ વર્ષે ગણપતિના દર્શને આવતા લોકોને સમસ્યા નહીં નડે. તેમણે મુંબઈ-ગોવા હાઈવૅનું કામ પણ ડિસેમ્બર સુધી પૂરું થઈ જશે, તેવી ખાતરી આપી હતી.