એક અઠવાડીયા વિરામ બાદ વાગડના ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન

રાપર : સરહદી કચ્છમાં ગત રવિવારથી મેઘરાજાએ પોરો ખાધા બાદ એક અઠવાડીયા પછી ફરીથી વાગડ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન થયું હતું. વાગડ વિસ્તારમાં હવામાનમાં આવેલા પલટા બાદ વિવિધ ગામડાઓમાં વરસાદના સમાચાર સાંપડ્યા હતા. રાપર તાલુકાના કુડા, જામપર, રામવાવ, ભુટકીયા સહિતના ગામડાઓમાં ઝાપટા વરસ્યા હતા. ભારે ગરમી બાદ વરસાદના આગમનને પગલે માર્ગો ભીંજાયા હતા. અને કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. અગાઉ પણ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ વાગડમાંથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ કચ્છના મોટાભાગના પંથકમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે એક અઠવાડીયાના વિરામ બાદ પુનઃ વાગડમાંથી ઝાપટાનો દોર શરૂ થયો છે.