એક્ટર બનવા માટે જિમમાં જવાની જરૃર નથી : રિશિ કપૂર

મુંબઇ :  સિનિયર અભિનેતા રિશિ કપૂરે કહ્યું હતું કે આજે અભિનેતા બનવા ઉત્સુક યુવાનો જિમમાં જાય છે એે જોઇને મને હસવું આવે છે. અભિનેતા બનવા માટે જિમમાં જવાની જરૃર નથી. ‘પહેલાં તમે અભિનય કરતાં શીખો. અભિનય કરતાં આવડે પછી જિમમાં જઇને બોડી બનાવો. પહેલાં જિમમાં જવાથી તમે અભિનેતા બની શકવાના નથી…જિમને બદલે એવી કોઇ ઇન્સ્ટીટયુટ જોઇન કરો જ્યાં અભિનય શીખવવામાં આવતો હોય… સારા ડાયરેક્ટરની ફિલ્મ કરો, એવી ફિલ્મ કરો જેમાં સારા કલાકારો હોય. એમનું નિરીક્ષણ કરીને તમે જાતે સારો અભિનય કરતાં શીખો’ એમ રિશિ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ ંહતું. પોતાના પુત્ર રણબીર કપૂરનો દાખલો આપતાં રિશિ કપૂરે કહ્યંુ કે રણબીરે સંજય લીલા ભણસાલી સાથે બ્લેક ફિલ્મ (રાની મુખરજી અને અમિતાભ બચ્ચન) વખતે ભણસાલીના સહાયક તરીકે કામ કરીને સતત નિરીક્ષણ કર્યું હતું કે રાની અને અમિતાભ કેવી રીતે કયા દ્રશ્યમાં અભિનય કરે છે.. અને અમિતાભ બચ્ચનને જુઓ. ૧૯૭૦ના દાયકામાં એ એંગ્રી યંગ મેનની ઇમેજ ધરાવતા હતા. ત્યારે ન તો એેમની પાસે કસરતી  કાયા હતી કે ન તો બાવડાં ફુલાવીને દેખાડે એવા મસલ્સ હતા. પરંતુ તેમણે પોતાના આગવા અભિનય દ્વારા આગવી કેડી કંડારીને બતાવી. મને તો એ જાણીને નવાઇ લાગે છેે કે અભિનેતા બનવા માટે યુવાનો ઘોેડેસવારી કરતાં શીખે છે અને જિમમાં જઇને બોડી બનાવે છે.. એક્ટિંગ કરવા માટે આ બધાંની જરૃર નથી હોતી.