એએમસીના ડે.મ્યુનિ.હેલ્થ ઓફિસર અરવિંદ પટેલને સેશન્સ કોર્ટે ફરાર જાહેર કર્યા

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંચિયા ડેપ્યુટી હેલ્થ ઓફિસર અરવિંદ પટેલને સેશન્સ કોર્ટે ફરાર જાહેર કર્યા છે. મ્યુનિ.ના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દીના બિલ પાસ કરાવવા ખાનગી ડોક્ટર પાસે ૧૫ લાખની લાંચ માગવાનો આરોપ છે. જે બાદ તેઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા.કોરોનાના દર્દીને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે કોરોનાની પહેલી લહેરમાં અમદાવાદની ૫૦ જેટલી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા હતા. ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર દર્દીએ ફાઈલ અને બિલો ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલ પાસે મંજૂર કરાવવા પડતા હતા. અગાઉ સીમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ ચૂકેલા પેશન્ટોના રૂ.૧.૫૦ કરોડના બિલ પાસ કરાવવા બાકી હતા. તે બિલ પાસ કરાવવા માટે અરવિંદ પટેલ વતી બિલની રકમના ૧૦ ટકા (૧૫ લાખ)ની લાંચની માંગણી કરનાર ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રા વિરુદ્ધ પણ એસીબીએ ગુનો નોંધ્યો હતો.
એસીબીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મ્યુનિ.ના હેલ્થ ઓફિસર દ્વારા ખાનગી હોસ્પિટલના બીલો પાસ કરાવવા માટે માતબર લાંચ લેવામાં આવતી હતી. એમાંય કેટલીય ખાનગી હોસ્પિટલોમાં તો દર્દી દાખલ ના થયા હોવા છતાં તેમના નામે બીલો મુકીને પાસ કરી દેવામાં આવ્યા હતા.