ઉ.ભારતમાં ઝેરી હવાનો આતંક

શ્વાસ લેવાનું પણ મુશ્કેલઃ રાજસ્થાનમાં આંધીના કારણે ત્રણ
દિવસ સુધી વાતાવરણ રહેશે ધુંધળું : ૪૮ કલાક મુશ્કેલીભર્યા

નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારત હાલમાં ધૂળની ચાદરમાં લપેટાયું છે. રાજસ્થાન અને બ્લુચિસ્તાન તરફથી આવી રહેલી ગરમ હવાઓના કારણે ઉત્તર ભારતની હવા ધૂંધળી બની છે. ધૂળભરી હવાથી રાજસ્થાન, દિલ્હી – એનસીઆર, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ પ્રભાવિત થયા છે. એવામાં લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ થઇ રહી છે તેમજ હવાઇ પરિવહનને પણ અસર થઇ રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આવી સ્થિતિ રહી તો ઉત્તર ભારત માટે આવતા ૪૮ કલાક મુશ્કેલી ભર્યા બની શકે છે. પ્રદૂષણના કારણે ઠંડીમાં તો દિલ્હીમાં શ્વાસ લેવામાં તકલીફ પડે જ છે, પશ્રંતુ આ વખતે તે સ્થિતિ ભરગરમીમાં બની છે. ગઇકાલે દિલ્હીમાં અનેક સ્થળો પર સામાન્યથી ૧૮ ગણું વધુ પ્રદૂષણ જોવા મળ્યું. ગાઝીયાબાદ, નોએડામાં પણ પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આજે પણ સમગ્ર દિલ્હી ધૂળની ચાદર ઓઢેલી જોવા મળી. સીપીસીબીના જણાવ્યા મુજબ દિલ્હીના એર ઇન્ડેકસ ૪૪૫ રહ્યું. સફરના પૂર્વાનુમાન મુજબ આવતા ૨૪ કલાક સુધી આ પ્રદૂષણથી દિલ્હીને રાહત મળવાના કોઇ એંધાણ નથી.
પ્રદૂષણ વધવાનું સૌથી મોટું કારણ પીએમ ૧૦નું સ્તર છે. દિલ્હીના ૨૦ સ્થળો પર
પીએમનું સ્તર ૧૦ ગણાથી વધુ રહ્યું. સૌથી વધુ પીએમ ૧૦નું સ્તર મુંડકામાં ૧૮૦૪ જોવા મળ્યું. સીપીસીબીના જણાવ્યા મુજબ સાંજે ૬ વાગ્યે પીએમ-૧૦નું સ્તર ૮૫૦ એમજીસીએમ રહ્યું તેના કારણે દિલ્હીમાં વિઝીબિલિટી ઓછી રહી અને ધૂળની ચાદર જોવા મળી. સીએઇ અગાઉથી જ ગરમીમાં વધતા પ્રદૂષણ પર ચિંતા દર્શાવી ચૂકયું છે.
આ જ મહિને જાહેર કરેલા એક રીપોર્ટમાં સીએસઇએ દાવો કર્યો હતો કે એક એપ્રિલથી ૨૮ મે ૨૦૧૮ વચ્ચે ૬૫ ટકા દિવસોમાં દિલ્હીની એર ઇન્ડેકસ ખૂબ જ ખરાબ રહી છે. આ દરમિયાન ફકત એક ટકા દિલ્હીવાસીઓને ચોખ્ખી હવામાં શ્વાસ લેવાનો મોકો મળ્યો.