ઉ.કોરીયાની ધમકીનો અમેરિકાએ આપ્યો જવાબ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉતર કોરિયાના આપખુદ શાસક કિમ જોંગ-અનની ધમકી સામે વળતો જવાબ આપતા જણાવ્યું છે કે તેમની પાસે પણ અણુ-બટન છે અને એ કોરિયાના શાસક કરતાં વધુ મોટુ અને શક્તિશાળી છે.ટ્રમ્પે ટવીટ કર્યુઃ ‘ઉતર કોરિયાના નેતાએ જણાવ્યું હતું કે એમના ડેસ્ક પર હરહંમેશ ન્યુકિલયર બટન હોય છે. તેમના ખતમ થઈચૂકેલા અને અનાજથી ભુખે મરતા શાસનમાંથી મહેરબાની કરી કોઈ એમને કહેશે કે મારી પાસે પણ અણુ-બટન છે અને એ એની પાસેના કરતાં વધુ મોટું અને શક્તિશાળી છે અને મારું બટન કામ કરે છે.’
ઉલ્લેખનીય છે કે ઉતર કોરિયાના નેતાએ નૂતન વર્ષના દિવસે જ બદાલ મારી હતી કે તેમની ઓફીસના પેજ પર હરહંમેશ અણુ-બટન હોય છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાની સમગ્ર ભૂમિ તેમના અણુશસ્ત્રોની રેન્જમાં છે. તેમને બરાબર ખબર હોવી જોઈએ કે આ ધમકી નથી પણ વાસ્તવિકતા છે.
કિમ જોંગ એને એવું પણ જાહેર કર્યું હતું કે ઉતર કોરીયા જવાબદાર અણુરાષ્ટ્ર છે અને શાંતિપ્રેમી છે. અમેરિકા અમારી સામે યુદ્ધ છેડી નહીં શકે એવું પણ તેમણે જણાવ્યું હતું.
બન્ને નેતાઓ વચ્ચે અગાઉ પણ શાબ્દીક હુમલા થયા હતા. એક તબકકે ટ્રમ્પે તેમને રોકેટમેન પણ કહ્યા હતા, જયારે ઉતર કોરિયાના શાસકે અમેરિકી પ્રમુખને માનસિક બીમાર વ્યક્તિ કહ્યા હતા.