ઉપલેટા તા.પં.ના પ્રમુખનું સોશિયલ સાઇટમાં એકાઉન્ટ હેક કરી હેકરે રૂપિયાની માગણી કરી

(જી.એન.એસ), રાજકોટ ,સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. ત્યારે હવે રાજકોટમાં વધુ એક નેતા પણ હેકરની ઝપટે ચડી ચૂક્યા છે. ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ ચંદ્રવાડીયાનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી સામે આવી છે. જેમાં હેકરે તેમના નામનું ફેક એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રૂપિયાની માગણી કરી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ ચંદ્રવાડીયાના નામનું ફેસબૂક પર ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટ પ્રોફાઈલ પિક્ચર પર વિનોદ ચંદ્રવાડીયાની તસવીરનો ઉપયોગ કર્યો છે. જેમાં તમામ વિગતો સાથે ફેક એકાઉન્ટ તૈયાર કરી તેના તમામ ફ્રેન્ડ્‌સને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી છે. આ અંગે ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ ચંદ્રવાડીયાએ જણાવ્યું હતું કે, મારા મિત્રો અને સબંધીઓ પાસેથી રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. આ વાતની મને ખબર પડતા તુરંત તમામ મિત્રોને જાણ કરી રૂપિયા ન આપવા જણાવ્યું છે અને આ મામલે પોલીસમાં અરજી આપી છે.