ઉનાળાના પ્રારંભથી જ બન્ની-પચ્છમમાં પાણીની ગંભીર કટોકટી

આવનારા દિવસોમાં સ્થિતિ અકલ્પનિય બનવાની ભીતિ : સત્વરે પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો હિજરતની સર્જાશે સ્થિતિ

રણોત્સવનું દૈનિક ત્રણ લાખ લીટર પાણી બન્ની-પચ્છમના વિસ્તારોમાં આપવાની તંત્રની વાતો પોકળ સાબિત થઈ

દૈનિક જરૂરીયાતની સામે ગ્રામીણ વિસ્તારોમાં ર૦થી ૩૦ ટકા જેટલું જ થતું પાણી વિતરણ : લોકોની સાથે પશુઓની હાલત પણ બની કફોડી : તંત્રના વાંકે ઉંચા ભાવે ટેન્કર દ્વારા પાણી મેળવવા લોકો મજબૂર

 

ભુજ : ઉનાળાના પ્રારંભની સાથે જ સૂર્ય નારાયણે આકરાં તેવર દેખાડવાના શરૂ કરી દીધા હોઈ કચ્છમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થવા આગળ ધપી રહ્યો છે. ગત વર્ષે ચોમાસા દરમ્યાન સામાન્ય વર્ષોની તુલનાએ પ્રમાણમાં ઓછો વરસાદ થતાં અત્યારથી જ ડેમો – તળાવો તળિયાઝાટક થવાની સ્થિતિએ પહોંચી ગયા છે. ત્યારે કચ્છના છેવાડાના વિસ્તાર સુધી નર્મદા નીરના અવતરણની ફેંકાતી ગુલબાંગો વચ્ચે ઉનાળાના પ્રારંભથી જ બન્ની – પચ્છમમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે.
કચ્છ જિલ્લો વિકાસ પથ પર નિરંતર ગતિ કરી રહ્યો હોવા છતાં પણ હજુ પીવાના પાણી સંદર્ભે કોઈ નક્કર યોજના વાસ્તવમાં અમલી બની ન હોઈ કચ્છીજનોની તરસ ચોમાસાના આધારે જ છીપાતી હોય છે. જિલ્લામાં નર્મદા નીરના અવતરણ મોટા ભાગના વિસ્તારોમાં થઈ ગયા હોવાની વાતો રાજકીય આગેવાનો દ્વારા સતત ફેલાવાતી હોય છે પરંતુ વાસ્તવમાં હજુ પણ જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જયાં પાણીની પાઈપલાઈનો પણ તંત્ર દ્વારા નાખવામાં આવી નથી. ત્યારે આ વખતે ઉનાળો કચ્છીજનો માટે આકરો બની રહેવાની હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કરાયેલી આગાહી અત્યારથી જ સાચી ઠરી રહી છે ત્યારે શહેરી વિસ્તારોમાં તો પાલીકા દ્વારા પાંચ – સાત દિવસે એક વાર પાણી વિતરણ કરી ગાડું ગબડાવાઈ રહ્યું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પાણીની રામાયણ સર્જાવવાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બન્ની – પચ્છમમાં તો પાણીની ગંભીર કટોકટી અત્યારથી જ જોવા મળી રહી છે.
આ બાબતે દધ્ધર જુથ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ મુસા જુણસ નોડેએ જણાવ્યું કે, દધ્ધર નાન, દધ્ધર મોટી, વાગુરા, સાંધારા, દેઢીયા નાના, દેઢીયા મોટામાં પાણીની અત્યારે ભારે તંગી છે. પાછલા બે માસથી પાણીની ગંભીર તંગીના લીધે લોકોની સાથે પશુઓની હાલત પણ કફોડી બની છે. સાંધારા ગામે તો આઝાદી બાદથી જ પાણીની લાઈન આવેલ નથી. હાલે લોકો અંધૌથી ટેન્કર મારફતે પાણી મંગાવે છે. જેના રૂા. ૬૦૦ ચુકવવા પડી રહ્યા છે.
ઝુરા (કેમ્પ)ના સરપંચ સોઢા સુરતસિંહ મોકાજીએ કહ્યું કે, ઝુરા અને ઝુરા (કેમ્પ)માં રૂદ્રમાતામાંથી પાણી આવે છે. અહીં ર હજારની માનવ વસ્તી તેમજ અંદાજે તેટલા જ પશુધન આવેલ હોઈ દૈનિક રૂા. ૧.પ૦ લાખ લીટર પાણીની જરૂરીયાત છે તેની સામે વર્તમાને માત્ર ૪૦૦૦૦ લીટર પાણી જ મળી રહ્યું હોઈ પાણીની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે.
ખાવડા સરપંચ કુંભાર ઉંમર સુમારના જણાવ્યાનુસાર હાલે અહીં પાણીની અન્ય વિસ્તારોની જેમ કટોકટી નથી પરંતુ આવનારા દિવસોમાં સ્થિતિ કથળે તેવી સંભાવના છે.
લુણા જુથ ગ્રામ પંચાયતના સરપંચ સૈયા ઉંમર જતે કહ્યું કે, ઉનાળાના પ્રારંભથી જ ટેન્કરરાજ સર્જાયું છે. પાણીની તકલીફના લીધે ગામમાં કુવા ખોદી પાણી મેળવવું પડી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલે બન્ની – પચ્છમમાં પાણીની જે કટોકટી છે તેના નિરાકરણ માટે તંત્ર દ્વારા સત્વરે નક્કર કાર્યવાહી નહીં કરાય તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ કથળશે તેમાં બેમત નથી.