ઉત્તર કોરિયાનો સામનો કરવા કમર કસતા અમેરિકા અને દક્ષિણ કોરિયા

વાશિંગ્ટનઃ અમેરિકા અને દક્ષિણ કોરિયા દ્વિપક્ષી લશ્કરી સહકાર વધારીને ઉત્તર કોરિયાના ભયનો સામનો કરવા સહમત થયા હતા. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સાલને અમેરિકાની અબજો ડાલરની સાધનસામગ્રી આપવા ‘વૈચારિક મંજૂરી’ આપી હતી. ટ્રમ્પે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જૅ-ઇન ઉપરાંત કઝાખસ્તાનના પ્રમુખ નૂરસુલતાન નઝરબાયેવ અને કોલમ્બિયાના પ્રમુખ જુઆન મેન્યુલ સેન્તોસને ફાન કાલ કરીને ચર્ચાવિચારણા કરી હતી.
અગાઉ, ઉત્તર કોરિયાએ મંગળવારે જાપાન પરથી એક મિસાઇલ છોડ્‌યું હતું અને તેને પગલે ડોનલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા સામે લશ્કરી કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. વાઇટ હાઉસે જણાવ્યું હતું કે ટ્રમ્પે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જૅ-ઇનને ફાન કાલ કરીને ઉત્તર કોરિયાનો સંયુક્ત રીતે સામનો કરવાને મુદ્દે ચર્ચાવિચારણા કરી હતી. વાઇટ હાઉસે જણાવ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પ અને મૂન જૅ-ઇન ઉત્તર કોરિયા પર રાજદ્વારી અને આર્થિક દબાણ વધારવા પણ સહમત થયા હતા. બન્ને નેતાએ દક્ષિણ કોરિયાની લશ્કરી તાકાત વધારવા અને સંરક્ષણ ક્ષેત્રનો દ્વિપક્ષી સહકાર દૃઢ બનાવવા ચર્ચાવિચારણા કરી હતી. વાઇટ હાઉસે જણાવ્યું હતું કે ટ્રમ્પે દક્ષિણ કોરિયાને અમેરિકાને અબજો ડાલરની લશ્કરી સાધનસામગ્રી આપવા ‘વૈચારિક મંજૂરી’ આપી હતી. ટ્રમ્પે કઝાખસ્તાનના પ્રમુખ નૂરસુલતાન નઝરબાયેવને પણ ફાન કાલ કર્યો હતો. તેઓએ પ્રાદેશિક અને વૈશ્ર્‌વિક નેતાગીરી તેમ જ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના પ્રમુખપદના જાન્યુઆરીથી શરૂ થનારા કાર્યકાળ અંગે ચર્ચાવિચારણા કરી હતી. ડોનલ્ડ ટ્રમ્પે નૂરસુલતાન નઝરબાયેવને ‘અસ્તાના એક્સ્પા ૨૦૧૭’નું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. ટ્રમ્પે કોલમ્બિયાના પ્રમુખ જુઆન મેન્યુલ સેન્તોસને પણ ફાન કાલ કર્યો હતો. વાઇટ હાઉસે જણાવ્યું હતું કે ટ્રમ્પે કોલમ્બિયા દ્વારા કેફી પદાર્થોના ઉત્પાદન અને હેરફેરને રોકવા લેવાઇ રહેલા પગલાંની પ્રશંસા કરીને તેના પ્રમુખ જુઆન મેન્યુલ સેન્તોસને આ દૂષણ નાથવા કાર્યવાહી કરવા બદલ અભિનંદન આપ્યા હતા.