ઉત્તરભારતના ધરતીકંપે હરિદ્વાર કચ્છી આશ્રમના અતિથિઓમાં ફેલાવ્યો ભય

ગતરાત્રીના આવેલ કંપનથી આશ્રમમાં રોકાયેલા પ૦૦ જેટલા કચ્છીજનો મેદાનમાં દોડી આવ્યા ઃ કચ્છ ભૂકંપની યાદ તાજી થઈ

ભુજ ઃ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો રીકટર સ્કેલ પર પ.પની તીવ્રતાના ધરતીકંપે દિલ્હી, યુપી સહિતના વિસ્તારોમાં ભયનું વાતાવરણ સજ્યું હતું. આ ધરતીકંપના લીધે હરિદ્વાર કચ્છી આશ્રમમાં રોકાયેલા કચ્છીઓ પણ ભયના માર્યા પોતાના રૂમોમાંથી બહાર નીકળી આશ્રમના મેદાનમાં એકઠા થઈ ગયા હતા. હરિદ્વાર કચ્છી આશ્રમના અધ્યક્ષ હરિદાસજી મહારાજે જણાવ્યું કે ગતરાત્રીના ૯ વાગ્યાની આસપાસ ધરતીકંપના લીધે ધરા ધ્રુજી ઉઠી હતી. આશ્રમમાં રોકાયેલા પ૦૦ જેટલા કચ્છી લોકો મેદાનમાં આવી ગયા હતા. કચ્છી આશ્રમમાં હાલે ભાગવત કથા ચાલી રહી હોઈ યજમાન-શ્રોતાઓ સહિત પ૦૦ જેટલા કચ્છી લોકો હાલે આશ્રમમાં રોકાયા છે. ત્યારે ગતરાત્રીના ધરતીકંપના લીધે તમામ યાત્રીઓ પોતાના રૂમમાંથી બહાર નીકળી મેદાનમાં આવી ગયા હતા. જાકે હરિદાસજી મહારાજે તમામ લોકોને ડર્યા વિના શાંતિ રાખવા અપીલ કરી હતી. તો આ ધરતીકંપના લીધે કોઈ પણ કચ્છી વ્યકિતને નાની સરખી પણ ઈજા ન થઈ હોવાનું પણ હરિદાસજી મહારાજે જણાવ્યું હતું.