ઉજવણીના ઉન્માદમાં ફટાકડા ફોડતા સામ સામે મારામારીનો બનાવ

  • બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યોને પુનઃ પદ પર લેવાતા

માંડવી પોલીસ મથકે ૧૬ શખ્સો વિરૂદ્ધ સામ સામે નોંધાયો ગુનો

માંડવી : તાલુકાના બિદડા ગ્રામ પંચાયતમાં બરતરફ કરાયેલા સરપંચ અને સાથી સભ્યોને પુનઃ પદ પર આરૂઢ થવાનો હુકમ થયા બાદ ગત સાંજે બિદડા ગામે ઉજવણી કરાઈ હતી. જેમાં ફટાકડા ફોડીને ઉજવણીના ઉન્માદમાં બે જુથ્થો વચ્ચે તકરાર થઈ હતી. જેમાં સામ સામે હાથાપાઈ, મારામારી થતા માંડવી પોલીસ મથકે ૧૬ શખ્સો વિરૂદ્ધ સામ સામે ફરિયાદ નોંધાઈ હતી.માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અમીત સામતભાઈ સંઘારે આરોપી રોહિત જેન્તિલાલ સંઘાર, સાગર ચંદ્રકાંત સંઘાર, લક્ષ્મણ રમેશ સંઘાર, નિતેશ બાબુભાઈ સંઘાર, સૌરવ સંઘાર, ભરત સતુ સંઘાર, રામદેવ મુળજી સંઘાર, કેયુર સંઘાર, સાવન સંઘાર, પ્રવિણ ફકીરા સંઘાર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ફટાકડા ફોડીને ઉજવણી કરતા હતા. જેમાં ફરિયાદીના ઘર પાસે આવેલા ગરબી ચોક પાસે એક સંપ કરી ફરિયાદી તથા સાહેદ સાથે બોલાચાલી કરી ધકબુશટનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તો પ્રતિ પક્ષે સાગર ચંદ્રકાંત સંઘારે અમીત સામત સંઘાર, ધવલ શિવજીભાઈ સંઘાર, રિટાબેન અમીત સંઘાર, રિયાબેન સંઘાર, ગંગાબાઈ સામત સંઘાર, ચંપાબેન શિવજી સંઘાર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને સાહેદો બિદડા ગામના સરપંચ તેમજ સભ્યો હોદ્દા ઉપરથી બરતરફ થયા હતા.જેમને ફરીથી સરપંચ તરીકે કાર્યરત થવાનો હુકમ થતા તેઓ તેની ઉજવણી કરતા હતા. તે દરમિયાન આરોપીઓએ એક સંપ કરી લાકડી, ધોકા વડે ધસી આવી ઉજવણી કરતા ફરિયાદી સહિતના સાહેદો પર હુમલો કરી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ માંડવી પોલીસ મથકે બન્ને પક્ષે સામ સામે ગુનો નોંધાતા ઈન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.