ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા-કોલેજ ખોલવા અંગે નિર્ણય લેવાશેઃ ચુડાસ્મા

પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે અને તે પછી ધોરણ ૯,૮,૭,૬ મુજબ સ્કૂલો ખોલવામાં આવશે

(જી.એન.એસ.)ગાંધીનગર,ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે ફરીથી શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં સરકાર દ્વારા ધોરણ ૯, ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની નિદાન પરીક્ષા લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણમંત્રીએ કહ્યું કે, નિષ્ણાંતો શિક્ષણ કથળ્યું હોવાના મેણાં મારે છે. તેમજ તેઓએ શાળા-કોલેજ ખોલવા અંગે પણ નિવેદન આપ્યું હતું.રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા અને કોલેજ ખોલવા અંગે શિક્ષણ મંત્રી નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા-કોલેજ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, પહેલાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે અને તે પછી ધોરણ ૯,૮,૭,૬ મુજબ સ્કૂલો ખોલવામાં આવશે.આ ઉપરાંત શિક્ષણનું સ્તર કથળવા અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થીઓ ધોરણ ૧૧માં પહોંચી ગયા છે. શિક્ષકોની વેદના છે કે વિદ્યાર્થીઓને ૯મા ધોરણનો અભ્યાસ કરાવવો. વિદ્યાર્થીઓ નો ડિટેન્શન નીતિને કારણે ધોરણ ૯ સુધી પરીક્ષા વગર પહોંચે છે. અને આ વખતે ધોરણ ૧૦માં કોરોનાના કારણે માસ પ્રમોશન અપાયું છે. જેને કારણે નિષ્ણાંતો શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના મેંણા મારે છે. અને નિદાન કસોટીથી અમે વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ભાર મુકીશું તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.