ઉઘરાણી કરનાર ફાયનાન્સરને દેણદારે ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઊતાર્યો

Criminal with knife weapon hidden behind his back

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઊંચા વ્યાજના ચક્કરમાં સામાન્ય લોકો ફસાતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ વ્યાજના ચક્કરમાં અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેવા બનાવ સતત બનતા રહે છે. જોકે શહેરમાં હવે એક લેણદાર જ ઉઘરાણી કરવા જતા મોતનો ભોગ બન્યો છે. રૂપિયા ૩૫ હજારની ઉઘરાણી માટે ગયેલા ફાઇનાન્સરને દેણદારે રૂપિયા આપવાની જગ્યાએ ઉપરા ઉપર ચાકુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હાલ ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડન પાસે બુધવારે સવારે ફાઇનાન્સરની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જે વ્યક્તિની લાશ મળી આવી છે, તેનું નામ બાલા સુબ્રમણ્યમ ઉર્ફ મણી છે.બાલા પોતે ફાઇનાન્સર હતો અને વ્યાજે રૂપિયા આપતો હતો. બુધવારે સવારે તે પોતાની ઉઘરાણીના રૂપિયા લેવા માટે એક વ્યક્તિ પાસે પહોંચ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે રકઝક થઈ હતી અને દેણદાર ઉશ્કેરાઈ ગયો અને બાલાને ચાર-પાંચ ચાકુના ઘા ઝીંકી દિધા હતા. જેમાં બાલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.