ઈસરોનો નવો ઈતિહાસઃ ૧૦૦માં સેટેલાઈટનું પ્રક્ષેપણ

પીએમએ વૈજ્ઞાનીકોને પાઠવી શુભકામના

ભારતના ૩ સહીત ૩૧ ઉપગ્રહો લોન્ચઃ પાકીસ્તાનના આતંકી કેમ્પો સહીત જમીની તસ્વીરો પર નજર રાખી શકાશેઃ વૈજ્ઞાનિકો રોમાંચીત

 

શ્રીહરીકોટાઃ ભારતીય અવકાશી સંસ્થા ઈસરો (ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ આજે ૧૦૦મો ઉપગ્રહ લોન્ચ કરીને નવો ઈતિહાસ રચ્યો હતો. આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા ખાતેથી એકસાથે ૩૧ ઉપગ્રહોના પ્રથેપણ સાથે ઐતિહાસિક ૧૦૦મુ લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું.
ઈસરો દ્વારા પીએસએલવી-સી૪૦ શ્રેણીના કાર્ટોસેટ-૨ લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતના ત્રણ તથા કેનેડા, ફીનલેન્ડ, ફ્રાંસ, કોરીયા, બ્રિટન અને અમેરિકા જેવા અન્ય દેશોના ૧૮ સહીત કુલ ૨૧ ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ તમામ ૩૧ ઉપગ્રહોનું કુલ વજન ૧૩૨૩ કિલો થવા જાય છે.જમીની નેવીગેશન માટે અવકાશમાં મોકલાયેલા ૧૦૦માં સેટેલાઈટ કાર્ટેસેટ-૨ શ્રેણી મીશનનો પ્રાથમીક ઉપગ્રહ છે જેની સાથે સાથે ૧૦૦ કિલોના માઈકો અને ૧૦ કિલોના નેનો ઉપગ્રહો પણ મોકલવામાં આવ્યા છે.
કાર્ટોસેટ-૨ શ્રેણીનુ આ મીશન સફળ થવા સાથે ધરતીની ઉચ્ચ કોટીની તસ્વીરો પ્રાપ્ત થઈ શકશે જેનો ઉપયોગ રોડ નેટવર્કની ચકાસણી, શહેરી-ગ્રામ વિકાસ યોજનાઓ માટે થઈ શકશે. સાથોસાથ પાકીસ્તાન-ચીન જેવા પાડોશી દેશોના વખતોવખતના ઉંબાડીયા, આતંકવાદી કેમ્પો વગેરે વિશે પણ માહિતી મળી શકશે.આ પુર્વે ચાર મહિના પુર્વે ૩૧ ઓગષ્ટ ૨૦૧૭ના રોજ આ પ્રકારનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. હીટ શિલ્ડ અલગ ન પડી શકતા તેમાં નિષ્ફળતા મળી હતી.અવકાશી વિજ્ઞાનની તમામ સિદ્ધિઓ પોતાના નામે કરી લેનાર ઈસરોએ આજના પ્રક્ષેપણ સાથે નવો ઈતિહાસ રચ્યો છે. વિજ્ઞાનીઓ રોમાંચીત બન્યા છે અને પ્રક્ષેપણ પછીની પ્રક્રિયા પર નજર રાખી રહ્યા હતા.