ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ અને લલિત પટોળીયા સામે ફરિયાદ નોંધાઈ

મંજૂરી વગર લોકોને એકઠા કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો

(જી.એન.એસ)જૂનાગઢ,આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વિધાનસભાની ચૂંટણીને અત્યારથી તૈયારી શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ દ્વારા સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેર અને ગામડાઓની મુલાકાત લેવામાં આવી રહી છે અને કોરોનાની મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળીને સાંત્વના આપવામાં આવી રહી છે. જનસંવેદના કાર્યક્રમ દરમિયાન અનેક સામાજિક અગ્રણી, નેતાઓ અને ઉદ્યોગપતિઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. જેના કારણે આમ આદમી પાર્ટીનું કદ ગુજરાતમાં વધી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ અને પૂર્વ હોદ્દેદારો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.
હવે આમ અદામી પાર્ટીના નેતાઓ પર પોલીસ ફરિયાદો થવાનો દોર પણ શરૂ થઇ ગયો છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ અને લલિત પટોળીયા સામે જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પૂર્વ મંજૂરી વગર લોકોને એકઠા કરીને જાહેરનામાનો ભંગ કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેંદરડાના પટેલ સમાજ ખાતે ૩૦ જૂનના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા પોલીસની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર જન સંવેદના કાર્યક્રમ અંતર્ગત એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને લઇને જ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ છે.મેંદરડામાં યોજાયેલા આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. આ ઉપરાંત બેઠક વ્યવસ્થામાં પણ સામાજિક અંતરનો ભંગ જોવા મળ્યો હતો. તો આ કાર્યક્રમમાં પોલીસકર્મીઓ પણ બંદોબસ્ત માટે હાજર રહ્યા હતા.