‘ઈનામમાં કાર લાગી છે’ તેવું કહી મેઘપર બોરીચીના વાળંદને અઢી લાખનો અસ્ત્રો ફરાવાયો

કાર મેળવવાની લાલચમાં ફરિયાદીએ આરોપીના ખાતામાં અઠવાડિયા સુધી અલગ-અલગ ટ્રાન્જેક્શનમાં ર.પ૦ લાખ જમા કરાવ્યા, પરંતુ છેવટે કાર ન મળતા અંજારમાં નોંધાયો ગુનો

અંજાર : ગાંધીધામમાં મહિલાએ લોટરીના રપ લાખ મેળવવાની લ્હાયમાં રપ હજાર ગુમાવ્યા હતા. આ કિસ્સામાંથી બોધપાઠ ન મળ્યો હોય તેમ અંજારના યુવાને ઈનામમાં મળેલી કાર મેળવવાની લાલચમાં આરોપીના ખાતામાં અઢી લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા, પરંતુ અંતે કાર ન મળતા પોલીસની શરણ લેવાઈ છે.બેઘપર ચોરીના શ્રીજીનગરમાં રહેતા અને નાઈકામનો વ્યવસાય કરતા જયદીપ અશોકભાઈ વાળંદ નામના ર૯ વર્ષિય યુવાને ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ ફરિયાદીને આલોકકુમાર સિંઘ નામના વ્યક્તિએ મોબાઈલમાં www. shopping dra-w. in નામની લીંક મોકલી હતી અને તમને ઈનામમાં કાર લાગી છે તેવી વાત કહી હતી, જેથી ઈનામની કાર મેળવવાની લ્હાયમાં ફરિયાદી આરોપીની વાતોમાં ફસાઈ ગયો હતો. આરોપીએ ફરિયાદીના એસબીઆઈ બેન્ક અંજારના ખાતામાંથી મોબાઈલ ફોન દ્વારા પોતાના બેન્ક એકાઉન્ટ નંબરમાં એકાદ અઠવાડિયા સુધી અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી રૂપિયા ર,પર,૭પ૦ જમા કરાવી લઈ ઈનામમાં કાર કે જમા કરાવેલ રૂપિયા પરત ન આપી ઠગાઈ કરી હતી, જેથી અઢી લાખ રૂપિયાની છેતરપિંડી થતાં અંજારમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જે અંગે પીઆઈ એમ.એન. રાણાએ તપાસ હાથ ધરી છે.