ઈંધણમાં આગ : કચ્છમાં પેટ્રોલના ભાવ ૧૦૦ ને પાર

સસ્તો દારૂ… મોઘું તેલ… ભાજપ સરકાર તારો આ જ છે ખેલ…!

પ્રિમીયમ પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાની સપાટી વટાવી ૧૦ર પર પહોંચ્યા, સાદું પેટ્રોલ પણ ૯૯ એ અણનમ : મહિનાઓ પહેલા ૭૦ રૂપિયે મળતું પેટ્રોલ ૩૦ રૂપિયા વધીને ૧૦૦ પર પહોંચ્યું : પેટ્રોલ ભરાવવા જતા મોટા ભાગના વાહન ચાલકો મીટર પર ભાવના આંકડા જોઈ રોજ સરકારને ભાંડે છે ગાળો : વધતા પેટ્રોલના ભાવથી જનતાના ગળે ટુપો, હવે સહન શક્તિ નથી રહી : ડીઝલનો ભાવ પણ ૯૮.૩૮ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો


(બ્યુરો દ્વારા)ભુજ : આજની એકવીસમી સદીમાં જીવન નિર્વાહ માટે રોટી, કપડા અને મકાનની સાથે મોબાઈલ અને વાહન પણ ફરજીયાત બની ગયો છે. આજે ઘરે ઘરે વ્યક્તિ દીઠ મોબાઈલ અને વાહનો જોવા મળે છે. પાછલા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અર્થશાસ્ત્રનો નિયમ છે કે, માંગ વધે તો કિંમત ઘટે, પરંતુ પેટ્રોલ – ડિઝલના કિસ્સામાં જોઈએ તો વાહનોની સંખ્યા માનવ વસ્તીને પણ આંબી ગઈ છે. પેટ્રોલ – ડિઝલનો વપરાશ વધ્યો છે, જેથી ભાવ ઘટવા જોઈએ પરંતુ અહીં તો ઉલટું ચિત્ર છે. દરરોજ પેટ્રોલ – ડિઝલના ભાવ વધે છે. પેટ્રોલ પુરાવવા જતા વ્યક્તિઓ મીટરના આંકડા પર નજર ફરાવી નિસાસો નાખી સરકારને ભુંડી ગાળો આપે છે, પરંતુ ગાળો ખાવાથી ટેવાઈ ગયેલી ભાજપની આ સરકારને ભાવ વધારાથી કે લોકોના વિરોધથી કોઈ ફરક ન પડતો હોય તેમ પાછલા મહિનાઓમાં પેટ્રોલના ભાવમાં અધધધ કહી શકાય તેમ ૩૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે. અગાઉ ટુ વ્હીલરમાં ૩૦૦ રૂપિયા ટાંકી ફુલ થઈ જતી હવે પ૦૦ રૂપિયામાં પણ માંડ ટાંકી ફુલ થાય છે, જેથી કહી શકાય કે પેટ્રોલના ભાવ કેટલી હદે વધ્યા છે. પેટ્રોલ – ડિઝલના કારણે દરેક ચીજોમાં મોંઘવારીની અસર વર્તાઈ રહી છે. આ અંગેની વિગતો મુજબ દિન પ્રતિદિન પેટ્રોલ અને ડિઝલમાં કૂદકે ને ભૂસકે ભાવો વધી રહ્યા છે. ત્યારે નાના વાહન ચાલકો પરેશાન થયા છે. કચ્છમાં પેટ્રોલે રૂપિયા ૧૦૦નો આંક વટાવી દીધો છે. જિલ્લામાં શહેરોની વાત કરીએ તો આજે પ્રિમિયમ પેટ્રોલના ભાવ ૧૦ર પર પહોચી ગયા છે, તો સામાન્ય પેટ્રોલના ભાવ ૯૯ રૂપિયા પ્રતિ લીટર આવી ગયા છે. ડિઝલના ભાવ પણ એટલી જ સપાટીએ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. જે મધ્યમ અને નાના વર્ગના લોકો પર કમ્મર તોડ બોજો વધી રહ્યો છે.પેટ્રોલના વધતા ભાવને લઈ પેટ્રોલ પમ્પ માલિકો પણ ચિંતિત બન્યા છે. જોઈએ તેટલું પેટ્રોલનું વેચાણ થતું નથી. ભાગ્યે જ કોઈ વ્યક્તિ પોતાની બાઈક કે કારમાં ટાંકી ફૂલ કરાવે છે. પેટ્રોલનો ભાવ રૂપિયા ૧૦૦ને પાર થતા જ નાના અને મધ્યમ વર્ગીય લોકો મૂંઝવણમાં મુકાયા છે. વર્તમાન સમયમાં બાઈક કે સ્કૂટર હોવું તે સાવ સામાન્ય ગણાય છે. પરંતુ આગામી મહિનાઓમાં આ બાઈક કે સ્કૂટર ચલાવવું અસામાન્ય થઈ જાય તો, નવાઈ નહીં. સ્કૂટર અને બાઈક કરતા સી.એન. જી. કાર સસ્તી ચાલે છે.જો પેટ્રોલ અને ડીઝલના ભાવો વધતા જ રહેશે તો આગામી વર્ષોમાં દેશમાં માત્ર ગરીબ અને અમીર એમ બે જ વર્ગ રહે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. મધ્યમ વર્ગનો એકડો સાવ ભૂંસાય જ જાય તેવું લાગી રહ્યું છે. કોરોનાં કાળમાં મધ્યમ વર્ગની આવક ઘટી છે અને ખર્ચ વધી રહ્યો છે. ત્યારે પેટ્રોલના ભાવોને લઈ મુસીબત વધી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતાનો ટેક્સ ઘટાડે તો પેટ્રોલના ભાવોમાં થોડી રાહત જનતાને મળે તેવું લોકો ઇચ્છી રહ્યાં છે. કચ્છમાં સાદા પેટ્રોલના ભાવની સેન્ચુરી નથી લાગી, પણ પ્રીમિયમ પેટ્રોલના લિટરદીઠ ભાવ રૂા. ૧૦૨ ના આંકડાને પાર કરી ગયા છે. પેટ્રોલ ઇન્ડસ્ટ્રીઝના જાણકારોનું કહેવું છે કે સાદા પેટ્રોલમાં કેટલાક એડેટીવ્સ ઉમેરીને તેને પ્રિમીયમ બનાવી ભાવ વધારી દેવાનો કીમિયો આચરવામાં આવી રહ્યો છે. કોરોનાકાળમાં કમાણીના નામે સરકાર તિજોરી ભરી રહી છે. બીજી આવકો બંધ થતાં સરકારે અહીંથી લોકોના ખિસ્સાં ખાલી કરવાનું શરૂ કર્યું છે. સરકારને આવક કરવાના રસ્તાઓ શોધવાને બદલે સરકાર સીધા ટેક્સને બદલે પેટ્રોલ અને ડીઝલના ટેક્સના સહારે કમાણી કરી રહી છે. જેમાં સામાન્ય લોકોએ હવે વાહનને બદલે સાયકલ લઈને નીકળવું પડે તેવી હાલત છે.ભુજની જો વાત કરીએ તો પેટ્રોલ ભરાવવા ગયેલા વાહન ચાલકોએ બળાપો ઠાલવ્યો હતો. રજાક ચાકીએ કહ્યું કે, પેટ્રોલના ભાવ અંગે સરકારે કંઈ કહેવા જેવું રાખ્યું નથી. ભાવ એટલી હદે વધી ગયા છે કે, સરકાર તો ચુપ છે પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ પણ મુંઘા મંતર થઈને બેઠા છે. તો અન્ય એક વાહન ચાલક નજીર હુસેને કહ્યું કે, ચાર મહિના પહેલા ૭૦ થી ૭પ રૂપિયે મળતું પેટ્રોલ આજે ૧૦૦ રૂપિયે મળે છે, જે યોગ્ય બાબત નથી. માધાપર રહેતા ભાવિકાબેને કહ્યું કે, આ ભાવ વધારો હવે પોષાય તેમ નથી.એક તરફ ગૃહ વપરાશની વસ્તુઓમાં રોજ ભાવ વધે છે તેવામાં પેટ્રોલના ભાવ આસમાનને આંબી જતા હવે ખર્ચા નિકળે તેમ નથી. તો મુકેશ નામના એક વાહન ચાલકે જણાવ્યું કે, અગાઉ ૩૦૦ રૂપિયામાં પોતાના ટુ વ્હીલરમાં પેટ્રોલની ટાંકી ફુલ થઈ જતી હવે પ૦૦ રૂપિયામાં ટાંકી માંડ ફુલ થાય છે. ઢોરી વિસ્તારમાં રહેતા દેવકરણભાઈએ કહ્યું કે, મારે રોજ ભુજ અપડાઉન કરવું પડે છે. અગાઉ રર૦ રૂપિયાનો પેટ્રોલ ત્રણ દિવસ ચાલતું હવે દર બીજા દિવસે પેટ્રોલ પુરાવવું પડે છે. આવા તો અનેક વાહન ચાલકોએ પોતાનો બળાપો ઠાલવ્યો હતો, જેની વેદના શબ્દોમાં લખી શકાય તેમ નથી.