ઇશાન ભારતમાં ભયંકર પૂરઃ હજારો લોકો બેઘર

નવી દિલ્હીઃ ઇશાન ભારતમાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે નવેસરથી આવેલા પૂરમાં હજારો લોકો સપડાયા છે અને બેઘર બની ગયા છે. આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પૂરે ઘણો જ વિનાશ વેર્યો હતો. આસામના ૨૨ ગામના અંદાજે ૧,૪૮,૯૧૨ લોકોને પૂરની અસર થઇ હતી. આસામ સ્ટેટ મેનેજમેન્ટ ઑથૉરિટીના અહેવાલ મુજબ વિશ્ર્‌વનાથ, કરબી એન્ગલોંગ વેસ્ટ અને કરબી એન્ગલોંગ ઇસ્ટ, ગોલાઘાટ, કરીમગંજ અને હૈલાકાન્ડીમાં પરિસ્થિતિ ગંભીર છે. લોંગાઇ નદીમાં આવેલા પૂરને લીધે કરીમગંજમાં ભારે નુકસાન થયું છે. રાજ્યના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે જિલ્લામાંથી ૧૨૪ લોકોથી વધુને ઉગાર્યા હતા. વહીવટકર્તાઓએ ૭૧ રાહત છાવણીઓ ઊભી કરી છે જેમાં ૫૪ રાહત છાવણી સાથે કરીમગંજ મોખરે છે તો અનુક્રમે ૧૬ અને એક રાહત છાવણી સાથે હૈલાકાંડી અને ગોલાઘાટ ત્યાર પછીના ક્રમે છે.