‘ઇરમા’ વાવાઝોડાથી ફ્‌લોરિડા ભયભીત : ૬૩ લાખનું સ્થળાંતર

વાશિંગ્ટન : કેરિબિયન ટાપુઓ પર કોહરામ મચાવીને ઇરમા વાવાઝોડું અમેરિકાના ફ્‌લોરિડા રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. ફ્‌લોરિડામાં હજારો ભારતીય અમેરિકન સહિત આશરે ૬૩ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેરેબિયન ટાપુઓને ધમરોળીને આવેલું આ વાવાઝોડું થોડું ધીમું પડયું છે, પરંતુ હજુયે ઇરમા ૩૯૫ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જોકે, હવે ઇરમાને કેટેગરી ૫માંથી ૪માં મૂકવામાં આવ્યું છે. ફ્‌લોરિડા તરફ આગળ વધતા પહેલાં ઇરમાએ ક્યુબામાં ભારે
ઉત્પાત મચાવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ઈરમા રવિવારે ગમે ત્યારે ફ્‌લોરિડામાં ત્રાટકી શકે છે. ફેડરલ ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીના વડા બ્રોક લોંગે કહ્યું હતું કે, ઈરમા ફ્‌લોરિડા પર ત્રાટકશે કે નહીં એ સવાલ નથી. સવાલ એ છે કે, ઈરમા ફ્‌લોરિડાને કેટલી હદે ખરાબ નુકસાન કરી શકશે? આ વાવાઝોડું ફ્‌લોરિડા પર ત્રાટકશે એમાં કોઈ શંકા નથી. કેરિબિયનમાં તેના કારણે વીસેક લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. એટલે જ અમે ૬૩ લાખથી પણ વધુ લોકોને સલામત સ્થળે જવાનું સૂચન કર્યું હતું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ફ્‌લડ ઈન્સ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ ૧૫.૨૫ અબજનું ઈમર્જન્સી ફંડ મંજૂર કર્યું છે. વ્હાઈટ હાઉસે પણ રાહત અને બચાવ કાર્ય પર સીધી નજર રખાઈ રહી હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન સાઉથ કેરોલિનામાં પણ ઈરમાને પહોંચી વળવા જરૃરી તમામ પગલાં લેવાયા છે. અહીં એટર્ની જનરલની ઓફિસને જીવનજરૃરી ચીજવસ્તુઓ અને ગેસોલિનમાં અયોગ્ય રીતે ભાવવધારો કરાયો હોવાની ૨૦૦થી વધુ ફરિયાદો મળી છે. આ ઉપરાંત ૭૦૦ એકરમાં ફેલાયેલા વિખ્યાત મિયામી ઝૂલોજિકલ પાર્ક અને ગાર્ડનને પણ સલામતીના પગલાં લઈ બંધ કરી દેવાયો છે. અહીં ત્રણ હજારથી વધુ પશુ-પક્ષીઓ છે. ઝૂ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, પશુ-પક્ષીઓને સલામત સ્થળે લઈ જવા શક્ય નથી, પરંતુ તેઓને વાવાઝોડા સામે રક્ષણ આપવા અમે પૂરતા પગલાં લીધા છે. બીજા સ્થળે લઈ જવાથી તેઓ વધુ તણાવ અનુભવી શકે છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, ફ્‌લોરિડામાં ભારતીય અમેરિકનોની વસતી ખૂબ જ મોટા પ્રમાણમાં છે. આ ઉપરાંત અહીં ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, જવાનો સહિત યુએસ સ્ટેટના હજારો નોકરિયાતો ફરજ બજાવી રહ્યા છે. જોકે, કોઈ પણ ઇમર્જન્સીને પહોંચી વળવા કેટલાક સ્ટાફને ત્યાં તૈનાત કરાયો છે. અમે ઇચ્છીએ છીએ કે, સ્થાનિકો સરકારી સ્ટાફની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરે. આશરે એક લાખ લોકો શેલ્ટર હોમમાં આશરો લઈ રહ્યા હોવાથી સ્થાનિકોનો સહકાર જરૃરી છે.