ઇયાન બોથમને હાઉસ ઓફ લોડ્‌ર્ઝના સદસ્ય બનાવાયા

0

લંડન,ઇંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઇયાન બોથમને બ્રિટિશ સંસદમાં હાઉસ ઓફ લોડ્‌ર્ઝના સદસ્ય બનાવવામાં આવ્યા છે. બ્રિટિશ સરકાર દ્વારા આ સાથે હાઉસ ઓફ લોડ્‌ર્ઝના સદસ્ય તરીકે ૩૨ મહાનુભાવોની પસંદગી કરવામાં આવી હતી.ઇયાન બોથમ ૧૯૭૭થી ૧૯૯૨ દરમિયાન ઇંગ્લેન્ડ માટે ૧૦૨ ટેસ્ટ રમ્યા હતા અને તેઓ બ્રેકઝિટના સમર્થક છે. ૬૪ વર્ષીય ઇયાન બોથમ ૨૦૦૭માં ચેરિટી કાર્ય તથા ક્રિકેટમાં તેમના યોગદાન માટે નાઇટહુડના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. હાઉસ ઓફ લોર્ડઝમાં છેલ્લે ૨૦૧૧માં ઇંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાની રશેલ હેહો ફ્લિન્ટની પસંદગી થયા બાદ આ સન્માન હાંસલ કરનારા ઇયાન બોથમ પ્રથમ ક્રિકેટર છે.
ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ ઇયાન બોથમ ચેરિટી કાર્યોમાં સંકળાયેલા રહ્યા હતા અને ક્રિકેટ કોમેન્ટેટર પણ બન્યા હતા જ્યાં તેમણે ગયા વર્ષે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઇયાન બોથમ ઇંગ્લેન્ડ માટે ૧૦૨ ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે ૫૨૦૦ રન અને ૩૮૩ વિકેટ ઝડપી હતી. એક સમયે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ તેમના નામે હતો. ૨૦૧૫માં જેમ્સ એન્ડરસને આ રેકોર્ડ તોડ્યો હતો.