ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારીએ છેલ્લા દિવસે શિક્ષકોને નોટીસ ઠપકારતા રોષ

જિલ્લા શિક્ષક સમાજે સમગ્ર કાર્યવાહીને વખોડી : કેટલાક શિક્ષકોને કિન્નાખોરીથી ટાર્ગેટ બનાવાયા હોવાનો કરાયો આક્ષેપ : શિક્ષણાધિકારીએ શિક્ષક સમાજના આક્ષેપો ગણાવ્યા પાયાવિહોણા

 

ભુજ : તાજેતરમાં બી.આર.સી.ભવન, ભુજ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા મહામંત્રી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અંદાજે ૪૦ જેટલા શિક્ષક સમાજના હોદેદારો સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મંજૂરી વિના બી.આર.સી.ભવનનો શૈક્ષણિક હેતુ સિવાય ઉપયોગ કરવા બાબતે ફરિયાદ ઉઠતા બીજા દિવસે પ્રાથમિક શિક્ષણાધિકારી ત્યાં ધસી ગયા હતા અને બી.આર.સી.નું પૂછાણુ લઇ જરૂરી રોજકામ કર્યું હતું અને ત્યારબાદ નોટિસ ફટકારવામાં આવતા શિક્ષક સમાજમાં રોષ ફેલાયો છે.
શિક્ષક સમાજના કહેવા અનુસાર ખરેખર તો આ ઔપચારિક બેઠક હતી. રાજ્યસંઘની આગામી ચૂંટણી અનુસંધાને મુલાકાત હતી. કચ્છના કાટમાળ પ્રકરણનો ઉકેલ લાવવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. તેનાથી વિશેષ કાંઇ જ ન હોવાનું જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે જણાવ્યું હતું. તેમ છતાં હરકતમા આવેલા તંત્રે શિક્ષકો જાણે ગુનેગાર હોય અને ગેરપ્રવૃતિ કરેલ હોય તે રીતે કાર્ય કર્યું છે. હવે ૧૪ ફેબ્રુઆરીના નવા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ હાજર થઇ ચાર્જ સંભાળી લેવાના છે અને આજે મહાશિવરાત્રિની રજા હોવાથી ગઈકાલે જ ચાર્જના અંતિમ દિને ઓફિસ સમય બાદ પણ મોડી સાંજ સુધી બેસી અને નોટીસો કાઢવામાં આવતા આશ્ચર્ય ફેલાયું છે. વળી સબંધિત બી.આર.સી.ને નોટીસ અપાય તે તો સમજી શકાય પરંતુ બેઠકમાં હાજર રહેલા ૪૦ શિક્ષકોમાંથી માત્ર ૪-૫ શિક્ષક આગેવાનોને જ કિન્નાખોરીથી ટારગેટ બનાવાયા હોવાનો આક્ષેપો ઉઠ્યા છે ત્યારે આ અંગે તંત્ર દ્વારા વ્હાલા-દવલાની નીતિ અપનાવ્યા વીના શિક્ષકોના હિતમાં કાર્ય કરાય તેવી માંગ ઉઠી છે.
આ બાબતે જિલ્લા ઈન્ચાર્જ શિક્ષણાધિકારી શ્રી સુવર્ણકારનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, પાંચમી તારીખે બેઠક મળ્યા બાદ છઠ્ઠી તારીખે અમારા દ્વારા બીઆરસી ભવનની મુલાકાત લઈને રોજકામ કરાયું હતું. જેમાં બીઆરસી ભવનના જવાબદારોના નિવેદનો લેવાયા હતા. આ દરમ્યાન શિક્ષક સમાજના હોદ્દેદારો પણ બીઆરસી ભવન ખાતે આવી પહોંચ્યા હતા. ખરેખર તો તેમને અહીં હાજર રહેવાની કોઈ જરૂરિયાત ન હતી તેમ છતાં તેઓ ગેરબંધારણીય રીતે પોતાની ફરજ છોડીને તંત્ર દ્વારા કરાતી કામગીરીમાં હાજર રહ્યા હતા. આ પણ તેમની એક મોટી ભૂલ કહી શકાય ત્યારે તંત્રએ જે કાર્યવાહી કરી છે તે યોગ્ય જ કરી છે અને શિક્ષણ સંઘના હોદ્દેદારોને શિસ્તભંગના પગલાં લેવા બદલ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.