ઇજાથી આંખ ગુમાવી બેઠેલા કિશોરની દ્રષ્ટી પાછી આવી

જી.કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગે શસ્ત્રક્રિયા કરી આંખ બચાવી લીધી : બાળકોમાં આંખની ઈજા થવાનું વધતું પ્રમાણ

ભુજ : બાળકોને આંખમાં વાગવાથી મોતિયાને ઇજા થવાની ઘટનામાં વધારો થયો છે, પરંતુ ક્યારેક આ ઇજા હાનિકારક પુરવાર થાય છે અને દ્રષ્ટિ પણ ચાલી જતી હોય છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ૧૪ વર્ષના કિશોરને જમણી આંખમાં લાકડી વાગી જવાથી ફૂલુ અને મોતિયો બંને સખત ચોંટી જવાથી નજર ચાલી ગઈ હતી, પરંતુ તેને દૂર કરી નેત્રમણિ બેસાડી દેતા પુનઃ દેખતો થયો હતો.

દસ દિવસ પહેલા લુડિયા ગામના ફિરોઝ સોએબ (ઉ.વ.૧૪)ને લાકડી વાગી જવાથી ઇજાને કારણે મોતિયો ફૂલુ ચોંટી ગયા જેથી દેખતો બંધ થઈ ગયો હતો. આ ઇજા એટલી જાેખમી હતી કે  લેન્સની આજુબાજુ અને પાછળની ચામડી સખત ઇજાગ્રસ્ત હતી, પરંતુ ફિરોઝના સદ્દનસીબે ચામડીના નાના પીસ રહી ગયા હતા. તેના ઉપર લેન્સની મૂળ જગ્યાએ નેત્રમણી બેસાડી દેવાતા આંખ બચી ગઈ અને દેખતો થયો. એમ હોસ્પિટલમાં આંખના સર્જન ડો. અતુલ મોડેસરાએ જણાવ્યુ હતું.  આ શસ્ત્રક્રિયામાં આંખ વિભાગના ડો. દિવ્યાંગ પટેલ અને કિંજલ મહેતા જાેડાયા હતા. જી.કે.માં કોરોના પછી બાળકોને આંખમાં ઇજા થવાનું પ્રમાણ વધી ગયું છે. ડો. મોડેસરાએ કહ્યું કે, જૂન મહિનામાં જ આંખમાં ઇજાથી મોતિયાને નુકસાન થયું હોય એવી સામે આવેલી ત્રીજી ઘટના છે.