દેશના ઈતિહાસમાં પણ સુવર્ણઅક્ષરે નામ લખાય : પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઇ મહેતા

રાપર સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે વાગડવાસીઓએ અધ્યક્ષાશ્રી ડો.નીમાબેનનું ઉષ્માભર્યુ સન્માન કર્યુ

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા અને કચ્છનું ગૌરવ એવા ડો.નીમાબેન આચાર્યને સ્વામીનારાયણ ગુરૂકુળ રાપર ખાતે વાગડવાસીઓએ ઉષ્માભેર ઉમંગથી પોંખ્યા હતા.

કચ્છની ખમીરવંતી પ્રજાને શ્રી નરેન્દ્રભાઇએ વચન આપેલું કે ભૂકંપના પગલે નિરાશ ના થશો સરકાર તમારી સાથે છે. અનેકવિધ યોજનાઓ દ્વારા કચ્છને બેઠું કરવા સરકારે પુરૂષાર્થ આદર્યો હતો. કચ્છનો વિકાસ થાય, કચ્છનું માન વધે, કચ્છનું ગૌરવ વધે, વિશ્વમાં કચ્છનું નામ મુકાય માટે આ પદ કચ્છના લોકોને આપ્યું છે મને જવાબદારી આપી છે. આ જવાબદારી સારી રીતે નિભાવીએ વડાપ્રધાનશ્રીએ આપણા પર જે વિશ્વાસ મૂકયો છે એ વિશ્વાસ પર આપણે ખરા ઉતરીએ તેવી આપણે સૌ પ્રભુ પ્રાર્થના કરીએ અને સૌએ કરેલા સ્વાગત સન્માન બદલ આપ સૌનો હદયપૂર્વક આભાર એમ અધ્યક્ષાશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં કહયું હતું.

વાગડ સૌથી આગળને સાકાર કરતા નર્મદાના પાણી પહોંચાડવા સરકાર પ્રયત્ન કરી રહી છે. ટપ્પર ડેમ ભરાઇ ગયો છે. પાઈપ લાઇનથી પાણી વ્યવસ્થા અને સુવઇ ગામમાં પાણીની વ્યવસ્થા અને અડધે સુધી નર્મદાના પાણી પહોંચ્યા છે એમ પણ તેમણે કહયું હતું. આ તકે તેમણે મહિલા સશકિતકરણ માટે અમલી થયેલ યોજનાઓ અને રાજકારણ અને સરકારમાં મહિલા પ્રતિનિધિત્વના દાખલા રજુ કર્યા હતા.

આ તકે માજી ધારાસભ્યશ્રી પંકજભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ અધ્યક્ષા તરીકે આપનું નામ ઈતિહાસમાં અંકિત થયું છે પરંતુ જયારે દેશના અધ્યક્ષોનો ઈતિહાસ લખાય તેમાં પણ આપની કામગીરીના આધારે આપનું નામ સુવર્ણ અક્ષરે લખાય એવી તમામ વાગડના નાગરિકો વતી દિલની શુભેચ્છા પાઠવું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાપર વિસ્તારના સ્વ.ધીરૂભાઇ શાહ પણ વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકયા છે. ડો.નીમાબેન પ્રથમ મહિલા અધ્યક્ષ તો છે જ પણ આચાર્ય પરિવાર વાગડના બેલા ગામનો પરિવાર છે આમ વાગડ સૌથી આગળ છે.

વાગડના વધૂ એવા વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેનને ઉમંગભેર વધાવવાની વેળાએ ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા રાપર પ્રમુખશ્રી અમરતબેન વાવીયા, વણવીરભાઇ રાજપુત, લક્ષ્મણસિંહ સોઢા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હમીરસિંહ સોઢા, મહિલા બાળ સમિતિ ચેરમેન કંકુબેન આહિર, અંબાવીભાઇ શેઠ, રાજભાઇ વ્યાસ, ઈરાબેન ચૌહાણ, કિશોરભાઇ મહેશ્વરી, નશાભાઇ દૈયા, ઉમેશ સોની, મોતીભાઇ ભરવાડ, સંચાલન અને આભારવિધિ કરનારશ્રી મોરારદાન ગઢવી, મુકેશભાઇ રાજગોર, કાનાભાઇ ગોહિલ મામલતદાર એચ.જી.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર.કે.રાઠવા, આંકડા અધિકારી ડી.જે.ચાવડા, હરેશ પરમાર, ભરત પરમાર તેમજ વિવિધ સમાજ, સંગઠન, સંસ્થાઓ, પરિષદો અને મંડળોના અગ્રણીઓ, મહિલાઓ અને વાગડવાસીઓ ઉપસ્થિત રહયા હતા.