આ દિવાળીથી ભુજોડી ઓવરબ્રીજ પરથી પસાર થઈ શકશે વાહનો

ગર્ડર લોન્ચિંગ બાદ બ્રીજના કામમાં આવી ઝડપ : ભુકંપ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાની ભૌગોલીક સ્થિતિને ધ્યાને રાખી બ્રીજની નવી ડિઝાઈનમાં જીયોગ્રીડ ટેકનોલોજીનો કરાઈ રહ્યો છે ઉપયોગ

ઓવરબ્રીજના કામમાં વપરાતી ખનીજ રોયલ્ટી વિનાની :ભુજ : ભુજોડી ઓવરબ્રીજના કામમાં જમીનનું લેવલીંગ કરવા માટે જે માટીનો ઉપયોગ થઈ રહ્યો છે તે માટી ચોરાઉ હોવાનું સામે આવવા પામ્યું છે. આ બાબતે આક્ષેપો પણ થયા છે. લેર-કુકમા વિસ્તારમાં આવેલા ડુંગરોને ખોદીને તેમાંથી મેળવાયેલું ખનીજ બ્રીજના કામમાં વાપરવામાં આવે છે. એક તો ગેરકાયદે રીતે ચોરી કરી ખનીજ ઉસેડવામાં આવી રહ્યું છે. આ ખનીજ રોયલ્ટી ભર્યા વગર નજીકમાં જ ભુજોડી ઓવરબ્રીજના કામમાં ઠાલવી દેવાય છે જેથી સવાલો ઉદભવ્યા છે કે, સરકાર બ્રીજ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય તો બાંધકામમાં ચોરાયેલી માટીનો ઉપયોગ કેમ ? આ અંગે કોન્ટ્રાકટરો અને અધિકારીઓની ઉલ્ટ તપાસ કરવામાં આવે તો ભાંગફોળ થાય તેમ છે.

ભુજ : ભુજથી ભચાઉને જોડતા ધોરીમાર્ગ પર વર્ષોથી ભુજોડી ઓવરબ્રીજનું કામ ચાલુ છે. સાંસદ, ધારાસભ્ય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવીને ગઈ, પરંતુ ટેકનીકલ અને વહીવટી કારણોથી ભુજોડી ઓવરબ્રીજનું કામ ટલ્લે ચડતું રહ્યું હતું. લોકો આ પ્રોજેકટને કચ્છ માટે કલંકરૂપ પ્રોજેકટ, ભુજોડી બ્રીજનો સ્ટેરય તરીકે ઉપયોગ કરવો જોઈએ તેવી ટીખબોે પણ કરતા હતા. જોકે, અંતે ભુજોડી ઓવરબ્રીજના કામમાં હવે ઝડપ આવી છે. બ્રીજના કામમાં આવેલી પ્રગતિને લોકો જોઈ રહ્યા છે જેથી આ ઓવરબ્રીજ કયારે બની જશે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે.ત્યારે આ બાબતે જીએસઆરડીસીના ઈજનેર આર.જે. મકવાણાને પૂછતા તેઓએ જણાવેલ કે, દિવાળી સુધી આ બ્રીજનું કામ પૂર્ણ કરવાની અમારી ધારણા છે. જેથી નવા વર્ષથી ભુજોડી ઓવરબ્રીજ પરથી વાહનો પસાર થઈ શકશે. બ્રીજના કામની પ્રગતિ અંગે માહિતી આપતા જણાવેલ કે, રેલ્વે પાટા પર ગર્ડર લોન્ચીંગ થઈ ગયા છે. હાલમાં બ્રીજના એપ્રોચનું કામ ચાલી રહ્યું છે. મેગા શહેરોમાં સિમેન્ટના બીમ બનાવી બ્રીજ બનાવાય છે. જેથી નીચેથી પણ વાહનો પસાર થઈ શકે.
ભુજોડી પાસે આ પ્રકારે બ્રીજ કેમ ન બનાવાયો તેવું પૂછતા કહ્યું કે, કચ્છ સિસ્મીક ઝોન-પમાં આવતો જિલ્લો છે. જેથી નિયમ પ્રમાણે ૧પ મીટરથી વધુ ઉંચાઈએ બાંધકામ થઈ શકે નહીં. ભુજોડી પાસે ઢોળાવના કારણે ઉંચાઈ વધી જતી હોવાથી આ ડિઝાઈન કેન્સલ કરાઈ છે. જેથી જિલ્લાની ભૌગોલીક વ્યુહરચનાને જોતા નવી ડિઝાઈન પ્રમાણે બંને બાજુ પથ્થરોની દિવાલ ઉભી કરી વચ્ચે માટીના લેપર પાથરી રોલીંગ કરવામાં આવે છે. ર૦ સેન્ટીમીટરના લેપર પાથરી રોલીંગ કરીયાણી છાંટવામાં આવે છે. તેના પર ર૦ સેમીની નવી જીયોગ્રીડ ટેકનોલોજીથી કવર કરવામાં આવે છે. જીયોગ્રીડ ટેકનોલોજી બંને તરફથી દિવાલને ઝકડી રાખે છે. આ થઈ ગયા બાદ પથ્થરનું લેવલ કરી ડામર રોડ બનાવવામાં આવશે. હાલમાં પૂર્ણક્ષમતાથી ભુજોડી ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. જેથી દિવાળી સુધીમાં કામ પૂર્ણ થવાની ધારણા દર્શાવી હતી.