આસામના ચાના બગીચામાં પહોંચ્યો કોરોના : ૩૦૦થી વધુ લોકો સંક્રમિત

(જી.એન.એસ)ગુવાહાટી,કોરોનાવાયરસ એ તો હવે તમામ હદ પાર કરી દીધી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત સ્થળાંતર થતો આ વાઇરસ પ્રાણી સંગ્રહાલય અને આસામના ચાના બગીચામાં પહોંચી ગયો છે. દિબ્રુગઢ અને વિશ્વનાથ જિલ્લામાં ૩૦૦થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે.દિબ્રુગઢમાં સ્વાસ્થ્ય સેવા આપનાર એક કર્મચારીએ કહ્યું હતું કે, અમને જાલોરની ચા એસ્ટેટમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે. પરીક્ષણ પહેલા ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે બીજા દિવસે ૯૦ કેસ અને ત્રીજા દિવસે ૫૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના ટેસ્ટ ફરજિયાત કરાતા ૬૦ નવા કેસ ચાના બગીચામાંથી જ નોંધાયા છે. એક સાથે આટલા કેસ નોંધાયા બાદ બગીચાઓને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને પોઝિટિવ નોંધાયેલા લોકોને તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે.રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જો આ ટેસ્ટ કરવામાં આવ્યા ન હોત તો એક મોટો કોરોના વિસ્ફોટ થાય અને તેમાં હજારો લોકો કોરોના સંક્રમિત થયા હોત. પરંતુ સમય સૂચકતા વાપરીને કોરોના ટેસ્ટ થયા અને પોઝિટિવ લોકો તેમજ નેગેટીવ લોકોને જુદા કરી શકાયા છે. નોંધનીય છે કે આસામમાં ગુરુવારે કોરોનાના નવા ૪૯૩૬ કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં નોંધાયેલ પોઝીટીવ કેસમાં સૌથી મોટો આંકડો છે અને ગુરુવારે ૪૩ લોકોના મોત નિપજ્યા છે.