આશાપુરા કંપનીમાં ર૦ મીનીટ સુધી ડ્રોન ઉડતા ૧ર૦૦ કર્મચારી ભયભીત

જિલ્લા કલેકટર દ્વારા ડ્રોન ઉડાડવા પર મનાઈ હોવા છતાં રાત્રીના સમયે કંપનીમાં ડ્રોન ઉડતા ઉઠતા સવાલો ;કુકમાના શખ્સ સામે શંકાની સોય તાકી કંપનીએ પોલીસને કરી જાણ

 

ભુજ ; તાલુકામાં આવેલી આશાપુરા પર્ફોકલે કંપનીમાં ગેરકાયદે રીતે ડ્રોન ઉડાડી શુટીંગ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. રાત્રી દરમ્યાન બનેલી ઘટનાથી કર્મચારીઓ પણ ભયભીત બની ગયા છે.  આ કિસ્સામાં કુકમાના શખ્સ વિરૂધ્ધ શંકાની સોય તાકીને મેનેજર દ્વારા પોલીસને જાણ કરાઈ છે. જેમાં જણાવ્યા પ્રમાણે આશાપુરા પર્ફોક્લે લીમીટેડ બેન્ટોનાઈટ આધારીત વેલ્યુએડેડ પ્રોડકટ્‌સ બ્લીચીંગ ક્લેના ઉત્પાદન માટે સાલ ર૦૦૧થી સર્વે નં.૧૬૭ લેર ગામની સીમમાં કાર્યરત છે. થોડા સમયથી અમુક લેભાગુ તત્વો દ્વારા વ્યકિતગત લાભ માટે કંપનીની છબીને નુકશાન પહોંચાડવા માટે ખોટી રીતે વિવિધ સરકારી વિભાગો જેવા કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, સહાયક શ્રમ આયુક્ત ગાંધીધામ, જિલ્લા ઔદ્યોગીક સલામતી અને આરોગ્ય ગાંધીધામ કચેરી, જિલ્લા રોજગાર ભુજ કચેરી, જિલ્લા વિકાસ અધિકારી, કચ્છના કલેકટર અને ઔદ્યોગીક કમિશનરમાં ફરિયાદો કરવામાં આવે છે. કંપનીને આર્થિક રીતે નુકશાની પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે.

ત્યારે ગત તા.૧૬/૭/ર૧ના રોજ રાત્રીના ૧૧ઃ૩૦ વાગ્યે કંપનીના પરિસરની આસપાસ અને તેના પર કુલ બે ડ્રોન ઉડતા જાેવા મળ્યા હતા. ર૦ મિનીટ સુધી સંપૂર્ણ પ્લાન્ટ અને તેની આસપાસ વિસ્તારમાં અડધા કલાક સુધી ડ્રોન ઉડ્યા હતા. આ ઘટના કંપનીના કર્મચારી હીરાભાઈ ચાવડા ઉપરાંત ઘણા બધા રાત્રી પાળીમાં કામ કરતા કર્મચારીઓએ એમની નજરો નજર નિહાળેલ હતી. સંપૂર્ણ ઘટના મોબાઈલમાં પણ રેકોર્ડ કરવામાં આવી છે. આ ઘટના કંપની માટે આશ્ચર્યજનક અને ભયભીત કરી મુકનારી છે. કારણ કે, હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના ઉપર ડ્રોન દ્વારા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે બીક છે કે ડ્રોનનો ઉપયોગ કંપની પરિસરમાં કંપની વિસ્તારની રેકી કરવા માટે ઉપયોગ કર્યો હશે અને ભવિષ્યમાં કંપની પર આવા પ્રકારના હુમલાની બીક સેવાઈ છે. જે ૧ર૦૦ જેટલા કર્મચારીઓ ભયભીત છે અને તે ઉપરાંત રાષ્ટ્રીય સંપતિને નુકશાન થવાની શકયતા રહેલી છે.