આવતા મહિને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા લેશે રાજકીય સંન્યાસ

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા એ સાથે જ કોંગ્રેસની ટીમમાં ફેરફાર થશે એ નક્કી છે. રાહુલે હજુ પોતાની નવી ટીમની જાહેરાત નથી કરી પણ માર્ચ મહિનામાં યોજાનારા કોંગ્રેસના મહાઅધિવેશન પહેલાં તેની જાહેરાત થશે તેવું કોંગ્રેસનાં વર્તુળો જણાવી રહ્યાં છે. રાહુલ પોતાની નવી ટીમની જાહેરાત કરે એ સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના રાજકીય સંન્યાસનો તખ્તો પણ તૈયાર કરી દેવાયો છે. માર્ચ મહિનામાં જ અહમદ પટેલ પણ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરશે. રાહુલ ગાંધીની નવી ટીમમાં અહમદ પટેલ નહીં હોય એ પહેલેથી નક્કી છે તે જોતાં આ જાહેરાત અપેક્ષિત છે. અહમદ પટેલના રાજકીય સંન્યાસ માટે તેમની તબિયતને મુખ્ય કારણ માનવામાં આવે છે. છેલ્લ કેટલાક સમયથી તેમની તબિયત લથડી છે તેથી તે વધારે સક્રિય નથી રહેતા. આ ઉપરાંત રાહુલ ગાંધી સોફ્‌ટ હિન્દુત્વ તરફ આગળ વધી રહ્યા છે તેથી પણ અહમદ
પટેલને દૂર કરાઈ રહ્યા હોવાનું મનાય છે. ગુજરાતમાં થોડાક મહિના પહેલાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ જીતી ગયા હતા પણ આ ચૂંટણી જીતવા તેમણે ભારે મહેનત કરવી પડી હતી. અહમદ પટેલને ૪૪ મત મળ્યા હતા અને આ પૈકી ૪૩ મત કોંગ્રેસના ધારાસભ્યોના હતા. અહમદ પટેલને હરાવવા ભાજપે ભારે પ્રયત્ન કર્યા હતા પણ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બેંગલોર મોકલીને અહમદ પટેલની જીત પાકી કરી હતી. ઉત્તર ગુજરાતમાં એ વખતે જ ભારે વરસાદ પડ્‌યો હતો અને પૂરની સ્થિતી સર્જાઈ હતી. આ કારણે કોંગ્રેસના ધારાસભ્યોની આકરી ટીકા થઈ હતી. આ ટીકાના પગલે રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી પ્રચારથી અહમદ પટેલને દૂર રાખ્યા હતા. અહમદ પટેલની કોઈ સક્રિય ભૂમિકા ચૂંટણીનાં જોવા નહોતી મળી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પૂરનો મુદ્દો નડ્‌યો હતો અને ઉત્તર ગુજરાતમાં તેને ધારી સફળતા ના મળી. આ પરિણામો પછી રાહુલે અહમદ પટેલને નિવૃત્તિ લેવા વિનંતી કરી હોવાનું મનાય છે. અહમદ પટેલ લાંબા સમય સુધી કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. હવે સોનિયા ગાંધી પોતે સક્રિય નથી ત્યારે તેમની ભૂમિકા મર્યાદિત થઈ જતાં તે રાજકીય સંન્યાસ લઈ રહ્યા છે તેવી પણ વાત છે.