આર.સી.સી. પેવર બ્લોક તેમજ રોડ સર્ફેસીંગના કામોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમુહૂર્ત

અંજાર નગરપાલિકાના રૂ.૨.૪૪ કરોડના કુલ ૬૩ કામોનો કરાયો શુભારંભ : રૂ.૧.૫ કરોડના ખર્ચે નિર્માણાધિન અંજાર-મેઘપર રોડ પરના અંડરબ્રિજની રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરએ સમીક્ષા મુલાકાત લીધી

અંજાર શહેરમાં લોકોની સુખાકારીમાં વધારો કરવા અંજાર નગરપાલિકા જુદા જુદા વિસ્તારમાં આર.સી.સી. રોડ તેમજ પેવર બ્લોક રોડના કામોનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આર.સી.સી. રોડથી સોસાયટીઓનું આંતરિક તેમજ મુખ્ય રસ્તાઓ સાથેનું જોડાણ સરળ બને છે. ઉપરાંત ગંદકી જેવા પ્રશ્નોનું પણ નિરાકરણ આવે છે. જે અન્વયે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ૨૦૧૬-૧૭ તેમજ ૨૦૨૦-૨૧ની ગ્રાન્ટના કામો અંતર્ગત અંજાર નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં રોડ રિર્ફેસીંગના કામો, આર.સી.સી. રોડના તેમજ પેવર બ્લોક રોડના કામો મળીને કુલ ૬૩ કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કામો પાછળ અંદાજીત રૂ.૨.૪૪ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત રાજયમંત્રીશ્રીએ અંજાર-મેઘપર (બોરીચી) રોડ પર જાદવજીનગર પાસે નિર્માણાધિન અંડરબ્રિજની પણ મુલાકાત લઇ જરૂરી સમીક્ષા અને સુચનો કર્યા હતા. ૧.૫ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા આ અંડરબ્રિજથી ટ્રાફિકની સમસ્યાનું પણ કાયમી નિરાકરણ આવશે. આ તકે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, આ આર.સી.સી. રોડ તેમજ પેવર બ્લોક રોડના નિર્માણ થકી લોકોની સુખાકારીમાં વધારો થશે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવશે. આ પ્રસંગે રાજયમંત્રીશ્રી સાથે અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી લીલાવંતીબેન પ્રજાપતિ, ઉપ-પ્રમુખશ્રી બહાદુરસિંહ જાડેજા, અગ્રણીશ્રી ભરતભાઇ શાહ તેમજ સર્વે અગ્રણી વસંતભાઇ કોડરાણી, ડેનીભાઇ શાહ, સંજય દાવડા તેમજ નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી સંજય પટેલ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.