આર્થિક ભીંસમાં મુકાયેલી અછતગ્રસ્ત કચ્છની ગૌશાળા-પાંજરાપોળો ઢોરો સંભાળવામાં ‘અસક્ષમ’

દાનનો પ્રવાહ અલ્પ અને પશુઓની વધતી સંખ્યાથી સંચાલકો બેવડી ભીંસમાં : સંસ્થાના પશુઓ અન્યોને દેવા અનેકો બન્યા મજબુર

 

કચ્છમાં અછત જાહેર કરવા આનાવારીની કામગીરી શરૂ કરો
ભુજ : કચ્છ જિલ્લામાં અછત જાહેર કરવા આનાવારીની કાર્યવાહી શરૂ કરવાની સાથે તાત્કાલિક અર્ધઅછત જાહેર કરી પાંજરાપોળોને ઘાસચારા સહાય જાહેર કરવા માંગ કરાઈ છે.
અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘે કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, વરસાદ ન પડવાથી પશુઓના ઘાસચારાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. સરકાર દ્વારા જાહેરાત મુજબનો જથ્થો નહીંવત ફાળવવામાં આવતો હોઈ પશુઓ ભૂખમરાના કારણે મોતને ભેટી રહ્યા છે. આ આફતમાંથી બહાર આવવા આનાવારી કરી અછત જાહેર કરવી જોઈએ. ઉપરાંત તાત્કાલિક અર્ધઅછત જાહેર કરી પાંજરાપોળો અને કેટલ કેમ્પો માટે ઘાસચારા સહાય જાહેર કરવા માંગણી કરાઈ છે.

 

ભુજ : નોટબંધી – જીએસટી વેપારી, આમલોકોની સાથે મૂંગા ઢોરોને પણ હવે નડી છે. મુંબઈગરાઓ તરફથી દાનનો પ્રવાહ મંદ પડતા આર્થિક ભીંસમાં મૂકાયેલી અછતગ્રસ્ત કચ્છની ગૌશાળા – પાંજરાપોળો ઢોરો સંભાળવામાં પણ અસક્ષમ બન્યા છે. દાનના અલ્પ પ્રવાહ અને પશુઓની વધતી સંખ્યાથી સંચાલકો બેવડી ભીંસમાં મૂકાયા છે.
કચ્છીઓની ખુમારી ન માત્ર દેશ પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. જીવદયા – સમાજ સેવાના કાર્યો માટે હરહંમેશ અગ્ર હરોળમાં રહેતા કચ્છના લોકો દાનની સરવાણી વહેવડાવવામાં પણ ક્યારેય પાછીપાની કરતા નથી.જિલ્લાની ૮પ જેટલી ગૌશાળા – પાંજરાપોળમાં નિભાવ કરતા પુશઓ માટેનું મોટા ભાગનું દાન પણ મુંબઈગરાઓ મોકલતા રહ્યા છે, પરંંતુ પહેલા નોટબંધી અને પછી જીએસટીનો ડામ સરકારે આપતા દાનનો પ્રવાહ તળિયે જઈ ચોથા ભાગનો રહેવા પામ્યો છે, જેના લીધે છેલ્લા થોડા મહિનાઓથી ગૌશાળા – પાંજરાપોળના સંચાલકો માંડ-માંડ બે છેડા ભેગા કરતા રહ્યા છે. કુદરત પણ કસોટી કરી રહી હોય તેમ જિલ્લામાં મેઘરાજાએ હાથતાળી આપતા પાણી – ઘાસચારાની કટોકટી સર્જાઈ છે. સરકાર દ્વારા રાહત દરે ઘાસચારા વિતરણની કરાયેલી જાહેરાતની અમલવારીમાં ચૂક રખાઈ રહી હોઈ પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે.
અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરતભાઈ સોંદરવાએ જણાવ્યું કે, ઘાસચારાની તંગી તેમજ દાનના અભાવે ગૌશાળા – પાંજરાપોળના સંચાલકો આર્થિક ભીંસમાં મૂકાયા છે. પશુઓનો નિભાવ પણ મુશ્કેલ બન્યો છે. કેટલીક સંસ્થાઓ તો એવી સ્થિતિમાં છે કે જો કોઈ તેના પશુઓનો નિભાવ કરે તો તે માટે પણ તેઓ તૈયાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થિતિ દિવસો દિવસ ગંભીર બની રહી છે. જો સત્વરે મદદ નહીં મળે તો કલ્પના બહારનું ચિત્ર જોવા મળશે.