આરબીઆઇએ નિયમોના ઉલ્લંઘન મામલે ચાર બેન્કોને કરોડો રુપિયાનો દંડ ફટકાર્યો

(જી.એન.એસ.)મુંબઇ,કો ઓપરેટિવ બેન્કો સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લાલ આંખ કરી છે અને ચાર બેન્કોને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.આ દંડ નિયમોનુ ઉલ્લંઘન કરવા બદલ ફટકારવામાં આવ્યો છે. બેન્કના કહેવા પ્રમાણે અમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક પર ૬૨.૫૦ લાખ રૂપિયા, મુંબઈની એસવીસી સહકારી બેન્ક પર ૩૭.૫૦ લાખ રૂપિયા તેમજ મુંબઈની સારસ્વત બેન્ક પર ૨૫ લાખ અને આંધ્રપ્રદેશની મહેશ કો-ઓપરેટિવ અર્બન બેન્ક પર ૧.૧૨ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.રિઝર્વ બેન્કના કહેવા પ્રમાણે આંધ્રપ્રદેશની મહેશ કો-ઓપરેટિવ અર્બન બેન્ક પર ડિપોઝીટ પરના ઈન્ટરેસ્ટ રેટ તેમજ કેવાયસીને લગતા નિયમોનુ પાલન નહી કરવા બદલ જ્યારે અમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક પર જમા થાપણ પરના ઈન્ટરેસ્ટ રેટના નિયમોનુ પાલન નહીં કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. જ્યારે એસવીસી સહકારી બેન્કે છેતરપિંડી પર નજર રાખવા અંગેના નિયમોનુ પાલન કર્યુ નથી. આથી તેને પણ દંડ ફટકારાયો છે. જ્યારે સારસ્વત સહકારી બેન્કે ડિપોઝિટ પરના ઈન્ટરેસ્ટ રેટ તેમજ ડિપોઝીટ એકાઉન્ટની દેખરેખના નિયમોનુ પાલન કર્યુ નહીં હોવાથી તેને દંડ કરવામાં આવ્યો છે.ગયા અઠવાડિયે પણ રિઝર્વ બેન્કે કાર્યવાહી કરીને મુંબઈની મોગાવીરા કો ઓપરેટિવ બેન્ક સહિતની ત્રણ સહકારી બેન્કોને ૨૩ લાખનો દંડ ફટકાર્યો હતો. જેમાં મોગાવીરા પર ૧૨ લાખ રૂપિયા, ઈન્દાપુર અર્બન બેન્ક પર ૧૦ લાખ રૂપિયા અ્‌ને બારામતી સહકારી બેન્ક પર ૧ લાખનો દંડ લાગુ કરાયો હતો.