આરપાર જોઈ શકાય તેવા ચશ્મા આપવાની લાલચ આપી મુન્દ્રામાં વૃદ્ધને ત્રણ લાખના શીશામાં  ઉતારવાનો પ્રયાસ કરતા ચિટરો ઝડપાયા

રાજસ્થાનના વૃદ્ધને આરપાર જોઈ શકાય તેવા ચશ્મા તથા નાગમણી વેચાણ આપવાની લાલચ આપી મુન્દ્રા બોલાવી છેતરપીંડી કરે તે પહેલા જ પોલીસે ઝડપી પાડી ધૂતારાઓના મનસુબા ઉપર ફેરવી દીધું પાણી

 

મુન્દ્રા : રાજસ્થાનના વૃદ્ધને આરપાર જાઈ શકાય તેવા ચશ્મા તથા નાગમણી આપવાની લાલચ આપી મુન્દ્રા ખાતે બોલાવી વૃદ્ધ પાસેથી ત્રણ લાખ પડાવવાનો પ્રયાસ કરતા ત્રણ ધૂતારાઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડી ચિટરોના મનસુબા ઉપર પોલીસે પાણી ફેરવી દીધું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ આબસિહ જીવરાજસિહ રાજપુરોહિત (ઉ.વ.૬૦) (રહે. કિતા તા.ફતેહગઢ જિલ્લો. જેસલમેર રાજસ્થાન)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે વિશ્વાસઘાત છેતરપીંડીના પ્રયાસનો બનાવ ગતરાત્રીના નવ વાગ્યે મુન્દ્રા ખાતે આવેલ સાનિયા પ્રોપટી પાસે બનવા પામ્યો હતો. વલ્લભનગર માંડવી રહેતા અભુભખર અયુબ રમજુ સુમરા (ઉ.વ.૩પ) ગોધરા તાલુકો માંડવી રહેતા મંગલ જુમખલાલ નાગડા (ઉ.વ.ર૯) તથા કિશોર કાન્તીલાલ થોરીયા (ઉ.વ.ર૮)એ તેઓને વિશ્વાસમાં લઈ લોભ લાલચની વાતો કરી અસલ નાગમણી (મુલ્તાની પથ્થર) તથા આરપાર જોઈ શકાય તેવા ચશ્મા હોવાનું જણાવી રૂપિયા ૩ લાખમાં વેચાણ આપવા વિશ્વાસમાં લઈ વાતો કરી ખોટા પથ્થર તથા પિત્તળની પ્લેટની ફ્રેમવાળા કાળા ચશ્મા બતાવી તેઓ સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરે તે પહેલા જ પોલીસે અગાઉથી ગોઠવેલા છટકામાં ત્રણેય ચિટરોને આબાદ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે આઈપીસી કલમ ૪ર૦, ૪૦૬, ૩૪, પ૧૧ હેઠળ ગુન્હો નોંધી પીએસઆઈ ટી.એચ. પરમારે તપાસ હાથ ધરી હતી. છેતરપીંડીના બનાવને નાકામ કરવાની કામગીરીમાં મુન્દ્રાના ઈન્સપેકટર એમ.જે. જલુ, પીએસઆઈ ટી.એચ. પરમાર સાથે સહાયક ફોજદાર ઈસાકભાઈ હિંગોરા, કાનજીભાઈ આહીર, હેડ કોન્સ નિરૂભા ઝાલા, જીતુદાન ગઢવી, વાલાભાઈ આહીર, કૃષ્ણદેવસિંહ ગોહિલ, પ્રધ્યુમનસિંહ ગોહિલ, ખોડુભા ચૂડાસમા, શબ્બીરભાઈ બાયડ, નિર્મલસિંહ જાડેજા, માણેક ગઢવી, રાજેશ કુંભારવાડીયા વિગેરે જાડાયા હતા. પકડાયેલા ચિટરોએ અગાઉ આવા કેટલા યુવકો તથા વૃદ્ધોને શીશામાં ઉતાર્યા હતા અને કેટલી કેટલી રકમ પડાવી લીધી હતી, કયા કયા શહેરોમાં આવા બનાવોને અંજામ આપેલ તે સહિતની વિગતો મેળવવા પકડાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે.